ગુજરાતમાં ‘ડાયલ 112 જનરક્ષક’ પ્રોજેક્ટ શરૂ: એક જ નંબર પર પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર સહિત અનેક સેવા મળશે
નાગરિકોને કટોકટીમાં ત્વરિત મદદ પૂરી પાડવા રાજ્ય સરકારનો નવતર અભિગમ, હવે અલગ-અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી
ગાંધીનગરઃ ગુજરાતમાં વધતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ”તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોના વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો ગયા અઠવાડિયે શુભારંભ કર્યો હતો.

534 જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન-લોકોર્પણ
ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન ૫૩૪ જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમ જ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી જનતાને મળશે મુક્તિ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “જનરક્ષક – ૧૧૨”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે. “જનરક્ષક – ૧૧૨”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં ૧૫૦ કર્મચારીઓ ૨૪x૭ સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે. ભારત સરકારે કટોકટીના સમયે નાગરિકોને ત્વરિત મદદ મળે તે માટે એકલ ઇમર્જન્સી નંબર 112 શરૂ કર્યો છે.
તમામ સેવાઓ એક નંબર પર ઉપલબ્ધ, જેથી ઝડપી મદદ મળશે
દેશમાં કટોકટીની પળોમાં નાગરિકોને ઝડપી અને અસરકારક રીતે મદદ મળે તેના માટે સરકારે ઇમર્જન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસએસ) હેઠળ એક નંબર ૧૧૨ શરૂ કર્યો છે. આ સેવા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને હવે તે સમગ્ર દેશમાં કાર્યરત છે. અગાઉ વિવિધ સેવાઓ માટે અલગ અલગ નંબર જેવા કે 100 પોલીસ માટે, 101 ફાયર માટે, 108 નંબર આરોગ્ય અને એમ્બ્યુલન્સ માટે, 181 મહિલાઓની સુરક્ષા માટે, 1098 બાળ સુરક્ષા માટે અને 1070 કુદરતી આપત્તિ માટે વપરાતા હતા. જોકે, હવે આ તમામ સેવાઓ 112 નંબર પર જ ઉપલબ્ધ છે, જેનાથી લોકોને યાદ રાખવું સરળ બન્યું છે અને ત્વરિત રિસ્પોન્સ મળતો થયો છે અને હેલ્પ મેળવવામાં વિલંબ ટાળી શકાય છે.
નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું
ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે. ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં પહેલા ક્રમાંકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિને વધુ સંગીન બનાવીને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ રાજ્યના પોલીસ દળમાં થઈ રહ્યો છે આ સમારોહ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે.
