દિવાળી પૂર્વે ગુજરાતમાં થશે ઉથલપાથલ: પટેલની સરકારના અનેક મંત્રીના પત્તા કપાશે!
16 મંત્રીઓ આઉટ? 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનો અને અનુભવી MLAના મિશ્રણવાળી કેબિનેટની તૈયારી
દિવાળી પૂર્વે ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળમાં થનારા ફેરફાર મુદ્દે વિવિધ અટકળો વહેતી થઈ છે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા સત્તાધારી પાર્ટીની રણનીતિનો ભાગ હોઈ શકે છે. નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી રત્નાકર મંગળવારે ગુજરાત પહોંચ્યા હતા.
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે સત્તાધારી સરકાર રિપોર્ટ કાર્ડના આધારે નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની ભરતી કરશે, જેમાં વર્તમાન 16 સભ્યને હટાવી શકાય છે. નવા મંત્રીમંડળમાં 20થી વધુ સભ્ય હશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વમાં ઐતિહાસિક જીત પછી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીઓની ભરતી કરવાની ખાલી અટકળો જ કરવામાં આવી છે, પરંતુ હવે નિર્ણય લઈ શકાય છે.
સૂત્રોના જણાવ્યાનુસાર હાલમાં 16માંથી સાતથી દસ મંત્રીને ડ્રોપ કરવાની સાથે પાંચથી સાત મંત્રીને રિપિટ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂત, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, જળ વ્યવસ્થાપન મંત્રી કુંવરજી બાવળિયા અને વન મંત્રી મુકેશ પટેલનો સમાવેશ થાય છે. નવા ચહેરાઓમાં કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, સી. જે. ચાવડા અને હાર્દિક પટેલનું નામ ચર્ચામાં મોખરે છે.
પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, શંકર ચૌધરી અને જયેશ રાદડિયાને ટિકિટ મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું માનવું છે કે નવા મંત્રીમંડળમાં યુવાનો અને અનુભવી વિધાનસભ્ય પર કળશ ઢોળી શકે છે. યુવાનો અને અનુભવી વિધાનસભ્યના મિશ્રણવાળી કેબિનેટ 2027ની ચૂંટણી માટે મહત્ત્વના પાયાસમાન હશે. જોકે, જૂના મંત્રીઓના પત્તા કાપવાને કારણે પાર્ટીમાં બળવો થવાની પણ શક્યતા છે પણ હવે જોવાનું કે ભૂપેન્દ્ર પટેલ કોને કેબિનેટમાં એન્ટ્રી આપે છે અને કોને રસ્તો બતાવશે, જેનું ચિત્ર ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.
