ગુજરાતનું ઐતિહાસિક બજેટ: મુખ્યમંત્રીએ આપ્યા ત્વરિત અમલીકરણના આદેશ
ગાંધીનગરઃ ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યઓ અને સચિવઓ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમ જ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે.
અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ બજેટ આદિજાતિ, અનુસૂચિત જાતિ, ઓબીસી, ખેડૂતો સહિત તમામ વર્ગોને આવરી લેતું સર્વસ્પર્શી બજેટ છે.
મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ વહીવટી સુધારણા સૂચવતા બેઠકમાં મુખ્ય સચિવશ્રીને સૂચના આપી છે કે, બજેટ વિધાનસભામાં પસાર થાય તેની રાહ જોયા વગર અત્યારથી જ વર્તમાન અને નવી બાબતોનું અમલીકરણ કરવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. સરકારે તમામ વિભાગોને સૂચના આપી છે કે, બજેટમાં રજૂ થયેલી વર્તમાન અને નવી યોજનાઓ માટેના ડ્રાફ્ટ જીઆર, ડ્રાફ્ટ ટેન્ડર અને અન્ય વહીવટી પ્રક્રિયાની અત્યારથી જ શરૂ કરી દેવી, જેથી બજેટ મંજૂર થતાની સાથે જ દરેક યોજનાનું ત્વરિત અમલીકરણ થાય અને જનતાને પણ વિવિધ યોજનાઓનો લાભ ખૂબ ઝડપથી આપી શકાય, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
પાંચમી વખત બજેટ રજૂ કર્યું
બુધવારે નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની તુલના અને સમીક્ષા કરવી અને તેમાં જો કોઈ ત્રુટી હોય તો તેને ઝડપથી દૂર કરવા મુખ્યમંત્રીએ દરેક વિભાગના સચિવોને આદેશ આપ્યા છે, જેથી વધુમાં વધુ નાગરિકોને યોજનાકીય લાભ આપી શકાય, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઐતિહાસિક બજેટ: ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવા બદલ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનું વિશેષ અભિનંદન સાથે સન્માન કરાયું.
સર્વસ્પર્શી અભિગમ: બજેટમાં ખેડૂતો, આદિજાતિ, OBC અને અનુસૂચિત જાતિ સહિત તમામ વર્ગોના કલ્યાણને પ્રાધાન્ય અપાયું છે.
વહીવટી સુધારણા: વિધાનસભામાં બજેટ પસાર થાય તેની રાહ જોયા વગર જ ડ્રાફ્ટ ટેન્ડર અને GR (સરકારી ઠરાવ) તૈયાર કરવાના આદેશ અપાયા છે.
યોજનાઓની સમીક્ષા: કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની તુલના કરી કોઈ પણ ખામીને તાત્કાલિક દૂર કરવા સચિવોને સૂચના અપાઈ.
