ગુજરાત ભાજપમાં ‘પાટીલરાજ’ ચાલુ જ રહેશેઃ પ્રદેશપ્રમુખની નિમણૂકમાં વિલંબ કેમ?
2020માં પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ બન્યા હતા, રાજ્યપાલને લોટરી લાગી શકે
ગુજરાતના રાજકારણમાં અત્યારે ગજબના હાલ છે. રાજ્ય અને દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને હમણા નવા પ્રદેશપ્રમુખ મળ્યા છે, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રમુખ સાથે અન્ય રાજ્યના પ્રદેશપ્રમુખની વરણી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખના માફક ગુજરાત પ્રદેશપ્રમુખની નિમણૂક હવે વિલંબમાં પડી શકે છે, જેથી સીઆર પાટીલને એક્સટેન્શન મળી શકે છે.
સફળ પ્રદેશપ્રમુખને એક્ટેન્શન મળી શકે
સૌથી પહેલા કારણમાં હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ વ્યસ્ત છે. બિહાર વિધાનસભાની ચૂંટણી હવે પાર્ટી માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે, તેથી જેપી નડ્ડાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી રાખવામાં આવે તો પણ નવાઈ નહીં. આ સંજોગોમાં ભાજપ ગુજરાતના સૌથી સફળ પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ પર પણ કળશ ઢોળાવવાનું નક્કી છે. ઉપરાંત, ગુજરાત ભાજપના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ભાજપ ઉપરાષ્ટ્રતિની રેસમાં ઉતારી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
ભાજપમાં પટેલ-પાટીલની જોડીનો કમાલ
નવસારીની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા સીઆર પાટીલ પર થોડા વધારે મહિના માટે જવાબદારી સોંપવામાં આવશે એ નક્કી રહેશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ બ્રેક કરીને પાટીલે 156 સીટ અપાવી હતી, જ્યારે શાસનમાં આવ્યા પછી ભાજપમાં પટેલ-પાટીલની જોડી બની શકે છે.
વર્ષના અંતમાં યા જાન્યુઆરીમાં ચૂંટણીઓ થાય
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય નગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવશે. પાર્ટીએ અત્યાર સુદીમાં સંગઠનની જવાબદારી નવા પ્રમુખને સોંપી નથી. જો પાલિકાની ચૂંટણીઓ લંબાઈ તો આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે. આ સંજોગોમાં ભાજપનો એક જ પ્રયાસ છે કે શહેરો ઉપર પણ પાર્ટીની મજબૂત પકડ રહે, તેથી ભાજપ અંદરખાને સીઆર પાટીલની આગેવાનીમાં આગામી ચૂંટણીઓ લડવામાં આવશે. તેમાંય નવા પ્રમુખ માટે પાર્ટીના કાર્યકરો, નેતાઓ સાથે સમન્વય-સંકલન માટે સમય પણ બચ્યો નથી.
સીઆર પાટીલે જુલાઈમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો
ગુજરાત એ રાજ્યોમાં સામેલ છે, જ્યાં સંગઠન ચૂંટણી સંપન્ન થયા પછી પણ પાર્ટી પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પૂરી કરી નથી. આ વર્ષની શરુઆતમાં રાજ્ય સરકારે નવ નગર પાલિકાને મંજૂરી આપી હતી, જેથી હવે રાજ્યની કૂલ નગર નિગમોની સંખ્યા હવે 17 અને કૂલ નગરપાલિકાની સંખ્યા 149 થઈ છે. જુલાઈ, 2020માં સીઆર પાટીલને પ્રદેશપ્રમુખની જવાબદારી સોંપી હતી. ગયા મહિના દરમિયાન પાટીલે પ્રમુખ તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા પછી મોદીના ચૂંટણી મતવિસ્તાર વારાણસીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ગુજરાતના માફક યુપીમાં પ્રદેશપ્રમુખની નિમણૂક કરવાની બાકી છે.
