ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી કામકાજ માટે સરકારે એક દિવસમાં ૫૩૭ કરોડ રૂપિયા કર્યાં મંજૂર
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોના જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. સરકારે મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
ચાર નગરપાલિકા માટે 309 કરોડની કરી ફાળવણી
સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકાઓને કુલ રૂ.૩૦૯.૭૨ કરોડ જનસુખાકારીના કામો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના ૧૦ કામો માટે રૂ.૩.૯૮ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે રૂ.૩૫ કરોડ ફાળવવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકામાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ.૨૧૨.૫૦ કરોડ ફાળવ્યા છે.
સરકારે અમદાવાદ માટે 58 કરોડની ફાળવણી
ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત ૨૬૦ ઈલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ૫૮.૪૭ કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે. પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે રૂ.૧૩.૩૫ કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે રૂ.૧૧.૬૯ કરોડ મળીને કુલ ૨૫ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.
વોટર ડ્રેનેજ જોડવા માટે 55 કરોડની ફાળવણી
આ ઉપરાંત રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના ૧૦ કામો માટે રૂ.૧.૫૨ કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના ૧૬૬ કામો માટે રૂ.૧૧.૬૧ લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે રૂ.૫૫.૮૬ કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે રૂ.૩.૫૬ કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને રૂ.૧.૯૧ કરોડ તથા કેશોદને રૂ.૫.૯૯ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
દ્વારકા નગરપાલિકાને 131 કરોડ રુપિયા ફાળવાશે
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ રકમમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ, ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં સમાવેશ કરાશે. આના પરિણામે દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે.