ભારતની આ મહાન મહિલાઓ, જેમણે પોતાના સાહસ અને સંઘર્ષથી રચ્યો ઈતિહાસ; દરેક ભારતીય માટે છે પ્રેરણારૂપ…
ભારતની દીકરીઓએ પોતાની હિંમત, બુદ્ધિશક્તિ અને દ્રઢ મનોબળથી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે એના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મહિલાઓએ જે ક્ષેત્રોમાં ક્યારેક માત્ર પુરુષોનું વર્ચસ્વ હતું, ત્યાં આ મહિલાઓએ ઈતિહાસ રચીને સાબિત કરી દીધું કે ‘નારી શક્તિ’ અજેય છે. આજે આઠમી માર્ચના ઈન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ભારતની એવી સાત આઈકોનિક મહિલાઓ વિશે વાત કરીએ કે જેમણે સમાજની રૂઢિચુસ્ત પરંપરાઓ તોડીને એક નવી રાહ ચીંધી છે. રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલ હોય કે દ્રોપદી મુર્મુ કે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનું દેશ માટે મહત્ત્વનું મૂલ્ય છે. ચાલો આજે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે પર નજર કરીએ ભારતની વીરાંગનાઓ તેમ જ તેમણે મેળવેલી સિદ્ધિઓ પર.
સરોજિની નાયડુ: સરોજિની નાયડુ એ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ અને સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા હતા. તેમની કવિતાઓ અને પ્રભાવશાળી ભાષણોએ લાખો લોકોને આઝાદીની લડતમાં જોડ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ તરીકે તેમણે મહિલા અધિકારો માટે પાયાનું કામ કર્યું હતું.
ઈન્દિરા ગાંધી: ભારતનાં પ્રથમ અને અત્યાર સુધીના એક માત્ર મહિલા વડા પ્રધાન એટલે ઈન્દિરા ગાંધી. તેમણે ‘હરિયાળી ક્રાંતિ’ દ્વારા ભારતને અન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું. તેમની મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ અને નિર્ણાયક નેતૃત્વને કારણે તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી મહિલા નેતાઓમાં સ્થાન પામ્યા હતા.
કિરણ બેદી: પુરુષ પ્રધાન પોલીસ સેવામાં જોડાઈને કિરણ બેદીએ ઈતિહાસ રચ્યો હતો. તેમણે જેલ સુધારણા અને પોલીસ પ્રશાસનમાં અનેક ક્રાંતિકારી ફેરફારો કર્યા. તેમની નીડરતા આજે પણ લાખો યુવતીઓને વહીવટી સેવાઓમાં જોડાવા પ્રેરણા આપે છે.
સાવિત્રીબાઈ ફૂલે: ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખનાર સાવિત્રીબાઈ ફૂલેએ ભારે સામાજિક વિરોધ વચ્ચે પુણેમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરી હતી. તેમણે રૂઢિચુસ્ત રિવાજોને પડકારીને મહિલાઓને સશક્ત બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.
મધર ટેરેસા: ગરીબો, જરૂરિયાતમંદ, બીમારો અને અસહાય લોકોની સેવા માટે મધર ટેરેસાએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. 1950માં ‘મિશનરીઝ ઓફ ચેરિટી’ની સ્થાપના કરનાર મધર ટેરેસાને તેમની નિઃસ્વાર્થ સેવા માટે 1979માં ‘નોબેલ શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યા હતા.
કલ્પના ચાવલા: હરિયાણાના કરનાલથી નાસા (NASA) સુધીની સફર કરનાર કલ્પના ચાવલાએ અંતરિક્ષમાં જઈને ભારતનું અને પોતાના માતા-પિતાનું નામ ગૌરવવંતું કર્યું હતું. કલ્પના ચાવલાએ પોતાની મહેનત અને સાહસથી ભારતની યુવા પેઢીને વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપના જોતા કર્યા હતા.
બચેન્દ્રી પાલ: 1984માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગો લહેરાવીને બચેન્દ્રી પાલે સાબિત કર્યું કે મહિલાઓ માટે કોઈ પણ શિખર અશક્ય નથી. સાહસિક રમતોમાં તેમણે ભારતીય મહિલાઓ માટે નવા દ્વાર ખોલ્યા હતા.
