સરકારનો મોટો નિર્ણયઃ કાશ્મીરમાં હુમલા વધતા બીએસએફમાંથી ટોચના અધિકારીને હટાવ્યાં
BSF Chief And Special DG Removed: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના બે ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લેતા બીએસએફના ચીફ પ્રમુખ નિતિન અગ્રવાલ અને અર્ધસૈનિક દળના સ્પેશિયલ ડીજી વાયબી ખુરાનિયાને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
સરકારના આદેશ અનુસાર બીએસએફના ડેપ્યુટી સ્પેશિયલ ડીજી (વેસ્ટ) વાય બી ખુરાનિયાને તાત્કાલિક અસરથી તેમના રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. નિતિન અગ્રવાલને પણ ડીજી પદેથી હટાવવામાં આવ્યા છે. નિતિન અગ્રવાલને કેરળ અને વાયબી ખુરાનિયાને હટાવીને ઓડિશા મોકલવામાં આવ્યા છે.
જમ્મુ સહિત સંવેદનશીલ ભારત-પાકિસ્તાનની બોર્ડરની રક્ષા બીએસએફ કરે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને વધતા આતંકવાદી હુમલાને કારણે બંને અધિકારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના વિવિધ આતંકવાદી હુમાલામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટા ભાગના ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હુમલાઓ પછી ભારત સરકારે બંને અધિકારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે.
એસીસી (એપોઈન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ) દ્વારા બે અલગ અલગ આદેશમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી નિર્ધારિત સમયથી પહેલા પરત મોકલવામાં આવે છે. નિતિન અગ્રવાલ ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) 1989 બેચના અધિકારી છે, જ્યારે વાયબી ખુરાનિયા 1990 બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી છે.
ખુરાનિયાની જવાબદારીમાં 485 કિલોમીટરની બોર્ડરનો સમાવેશ હતો, જેમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન સહિત સમગ્ર વેસ્ટર્ન ઝોનનો સમાવેશ થતો હતો.
વાયબી ખુરાનિયાને ઓડિશામાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બનાવી શકાય છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે તાજેતરમાં સરકાર બનાવી છે. બીજી બાજુ નિતિન અગ્રવાલને ગયા વર્ષે જૂન મહિનામાં બીએસએફમાં કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે જુલાઈ 2026માં રિટાયર થવાના હતા. જોકે, કેન્દ્ર સરકારે તેમને બીએસએફમાંથી હટાવ્યા પછી 1989 બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી અમૃત મોહન પ્રસાદને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં એસડીજી પદે નિયુક્ત કર્યા છે.