Good News: મુંબઈને પાણી પૂરું પાડનાર એક જળાશય થયું ઓવરફલો
મુંબઈઃ આર્થિક પાટનગરમાં વરસાદ ખેંચાયા પછી વોટર કટ લાદવામાં આવ્યો હતો, ત્યારબાદ શહેર પર જલસંકટ ઊભું થયું હતું. પહેલા રાઉન્ડ પછી બીજા રાઉન્ડમાં શુક્રવારથી વરસાદ પડવાનું ચાલુ થયા પછી શુક્રવારે રાતથી મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પાણીનો સ્ટોક વધી થવાથી પાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ મુંબઈના ઔદ્યોગિક એકમો માટે વપરાશમાં લેવાતા પવઈ લેક ઓવરફ્લો થયું હતું, ત્યાર બાદ હવે તુલસી લેક ભરાયું છે.
મુંબઈમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે દક્ષિણ મુંબઈમાં એક બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં જાનહાનિના સમાચાર હતા. બીજી બાજુ રોડ-રેલવે સેવા પર અસર થવાની સાથે મુંબઈગરા માટે રાહતના મોટા સમાચાર મળ્યા છે, જેમાં સૌથી પહેલું લેક ભરાયું છે.
મુંબઈ શહેરને પાણી પૂરું પાડનારું પહેલું લેક ઓવરફ્લો થયું છે. આ અંગે પાલિકાએ લોકોને જાણકારી આપતી ટવિટ કરી હતી.
⛈️Tulsi Lake, one of the 7 lakes that supplies water to Mumbai, has started overflowing at 8:30 am today (20th July 2024)#MumbaiRains #mybmcupdates pic.twitter.com/12b8040aH6
— माझी Mumbai, आपली BMC (@mybmc) July 20, 2024
પવઈ લેક ભરાયા પછી ઔદ્યોગિક ક્ષેત્રના લોકોને રાહત થઈ છે. તુલસી લેક ભરાવાથી આગામી દિવસોમાં વરસાદ પડતો રહ્યો તો વધુ જળાશયોમાં પાણીનો સ્ટોક જમા થશે. અગાઉ આઠમી જુલાઈના પવઈ લેક ઓવરફ્લો થયું હતું. કૃત્રિમ જળાશયો પૈકીના પવઈ લેક આઠ જુલાઈના સવારે 4.45 વાગ્યે ભરાયું હતું. 545 કરોડ લીટરની ક્ષમતાવાળા લેક ભરાઈ જવાથી મુંબઈગરાને રાહત મળી છે, જ્યારે મુંબઈને પાણી પૂરું પાડનાર જળાશયમાં પાણીનો સ્ટોક વધી જવાથી આગામી દિવસોમાં પાણી કાપમાંથી મુક્તિ મળી શકે છે.
મુંબઈને પાણી પૂરું પાડનાર સાત જળાશયોમાં પાણીનો સ્ટોક ઓછો હોવાને કારણે મુંબઈમાં દસ ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તુલસી લેક સિવાય અન્ય જળાશયોમાં પાણીનો સ્ટોક પણ રાહતજનક સપાટીએ પહોંચતા પાણી કાપ પાછો ખેંચી શકાય છે.
અહીં એ જણાવવાનું ગયા વર્ષે 20મી જુલાઈના પણ તુલસી લેક ઓવરફ્લો થયું હતું. એના સિવાય 16 જુલાઈના 2021 અને 2022ના ઓવરફ્લો થયું હતું, જ્યારે 2020માં 27 જુલાઈના છેક ભરાયું હતું. તુલસી લેક મુંબઈના હેડ ક્વાર્ટરથી 35 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે, જ્યારે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડનારું નાનું જળાશય છે, જ્યાંથી રોજનું 1.8 કરોડ લીટર પાણી પૂરું પડાય છે. તુલસી લેકનું 40 લાખ રુપિયાના ખર્ચે 1879માં નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંના લેકમાંથી વહેતું પાણી સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી પસાર થઈને વિહાર લેકમાં પહોંચે છે.
મુંબઈના સાત જળાશયોમાંથી રોજનું 3,800 એમએલડી (મિલિયન ઓફ લિટર પર ડે) પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં ભાત્સા, અપર વૈતરણા, મિડલ વૈતરણા, તાન્સા, મોડક સાગર, વિહાર અને તુલસી. આ જળાશયો મુંબઈ, થાણે અને નાશિક જિલ્લામાં આવેલા છે.
