July 1, 2025
ટોપ ન્યુઝ

Good News: મુંબઈને પાણી પુરવઠો કરનાર જળાશયોમાં પાણી પુરવઠામાં વૃદ્ધિ પણ…

Spread the love

મુંબઈ: છેલ્લાં બે ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યભરમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નાગરિકોને થોડો દિલાસો મળ્યો છે. સતત વરસી રહેલા મેઘરાજાએ મુંબઈગરા પર તોળાઈ રહેલા જળસંકટમાંથી તેમને સુખરૂપ ઉગારી લીધા હોવાની માહિતી મળી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડનારા સાતેય જળાશયોવાળા વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે અને હવે જળાશયોમાં 25 ટકા પાણી પુરવઠો થઈ ગયો છે. મેઘરાજાની મહેરને કારણે મળેલી આ રાહત છતાં પણ મુંબઈમાં લાગુ કરવામાં આવેલો પાણીકાપ તો ત્યાં સુધી યથાવત જ રહેશે, જ્યાં સુધી જળાશયોમાં સંતોષજનક પુરવઠો નહીં થાય, એવું પાલિકાના અધિકારી વધુમાં જણાવ્યું હતું.
પાલિકાના વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડનારા સાતેય જળાશયોના વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે પાણી પુરવઠો 25 ટકા સુધી પહોંચી ગયો છે. પરંતુ જ્યાં સુધી સંતોષજનક પાણી પુરવઠો નહીં થાય ત્યાં સુધી મુંબઈગરા પર લાદવામાં આવેલો પાણીકાપનો નિર્ણય યથાવત્ રાખવામાં આવશે.
સાતેય જળાશયોના પાણી પુરવઠો કરવાની ક્ષમતા વિશે વાત કરીએ તો આ તમામ જળાશયોમાં કુલ 14,47,363 દસલાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે અને હાલમાં આ બધા જળાશયોમાં મળીને કુલ 3,61,825 દસલાખ લીટર પાણીનો પુરવઠો થયો હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.
પાલિકાના અહેવાલ અનુસાર જળાશયોમાં પાણીનો કૂલ સ્ટોક સરેરશ પચીસ ટકાથી વધ્યો છે, જે 2023 અને 2022ના વર્ષની તુલનામાં ઓછો છે. 2023માં મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો સ્ટોક 28.53 ટકા હતો, જ્યારે 2022માં તો લગભગ અડધો અડધ સ્ટોક જમા થઈ ગયો હતો. હાલના તબક્કે મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો પૈકી તાન્સામાં પચાસ ટકા, મોડક સાગરમાં 37, મિડલ વૈતરણા 23.89, ભાત્સામાં 24.66, વિહારમાં 45.71 તથા તુલસીમાં 66.24 ટકા સ્ટોક છે. શનિવાર અને રવિવારે પણ એકંદરે વરસાદ પડવાને કારણે વધુ આવકમાં વધારો થયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પડેલી આકરી ગરમી અને જૂનમાં અપૂરતા પડેલા વરસાદને કારણે મુંબઈગરા પર જળસંકટ તોળાઈ રહ્યું હતું. જળાશયોમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું હતું. આગમચેતીના પગલાં તરીકે પાલિકા દ્વારા 5મી જૂનથી મુંબઈમાં દસ ટકા પાણીકાપની જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!