Good News: દરિયાની અંદર 250 કિલોમીટરની રફતારથી દોડાવાશે બુલેટ ટ્રેન
પાંચ મિનિટમાં 21 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થઈ હાઈ સ્પીડ ટ્રેન
મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલે ટ્રેન દેશના બે મહાનગરને જોડવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. દરિયાની અંદરની 21 કિલોમીટર ટનલ બનાવવાનું કામકાજ શરુ થઈ ગયું છે. ભારતીય રેલવે તેજસ, વંદે ભારત, અમૃત ભારત વગેરે ટ્રેનને દોડાવવામાં આવ્યા પછી હવે હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે ભારતીય રેલવે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
મુંબઈ અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સારા સમાચાર મળ્યા છે, જેમાં મુંબઈમાં નિર્માણ થનારી 21 કિલોમીટર લાંબી ટનલનું કામકાજ ચાલુ થયું છે. બુલેટ ટ્રેન કલાકના 250 કિલોમીટરની રફતારથી દોડાવવામાં આવશે, જ્યારે આ 21 કિલોમીટર લાંબી ટનલને લગભગ પાંચથી છ મિનિટમાં ક્રોસ કરવામાં આવશે.
બુલેટ ટ્રેનનો ટ્રાયલ ગુજરાતમાં હાથ ધરાશે
મુંબઈ, થાણે સહિત પાલઘરમાં કામકાજ ચાલુ છે ત્યારે ગુજરાતમાં તો મહત્ત્વની કામગીરી પાર પાડવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણને કામગીરી અટકી હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટનું કામ બુલેટવેગે ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનો ટ્રાયલ પણ પ્રારંભમાં ગુજરાતમાં હાથ ધરવામાં આવશે.
બીકેસીથી શિલફાટાને ટનલ જોડવામાં આવશે
રેલવે મંત્રી અશ્વિની વૈષણવે કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ પ્રોજેક્ટ અન્વયે દરિયાની નીચે ટનલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ માટે 21 કિલોમીટર લાંબી ટનલ થાણેની ખાડીથી નીચે સાત કિલોમીટરના હિસ્સાનો સમાવેશ થાય છે. આ ટનલ બીકેસી સ્ટેશનથી શિલફાટાને જોડશે. દરિયાની નીચે બનાવવામાં આવનારી આ પહેલી ભારતની ટનલ હશે. આ ટનલની ડિઝાઈન નવી મુંબઈના ઘણસોલીમાં કરવામાં આવી છે, જ્યારે સુરક્ષા સહિત અન્ય પરિબળોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
ટનલમાંથી બે ટ્રેન 250 કિલોમીટરની રફતારથી પસાર થશે
ટનલમાંથી એક જ સમયે કલાકના 250 કિલોમીટરની રફતારથી બે બુલેટ ટ્રેન પસાર થવાની ક્ષમતા ધરાવશે, જ્યારે સિંગલ ટ્રેન પણ લગભગ 300થી 350 કિલોમીટરની ઝડપથી પસાર થઈ શકશે. આ ટનલની ડિઝાઈનમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે લગભગ 340 કિલોમીટરના કોરિડોરનું કામ પ્રગતિના પંથે ચાલી રહ્યું છે. જોકે, આ બુલેટ ટ્રેનની બીજી ખાસિયત એ છે કે કોલકાતામાં નદીની અંદરથી મેટ્રો જે સ્પીડથી દોડાવાય છે, તેનાથી વધુ ઝડપથી બુલેટ ટ્રેન પસાર થઈ શકશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.