અશ્વિની વૈષ્ણવ સફળ કે નિષ્ફળ રેલવે પ્રધાનઃ ચાર વર્ષમાં 300થી વધુ પ્રવાસીનાં મોત
ગોંડાઃ ઉત્તર પ્રદેશના ગોંડામાં ગઈકાલે એક દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનનો ગમખ્વાર અકસ્માત થયો, જેમાં ચાર લોકોના મોત થયા અને અનેક લોકોને ઈજા પહોંચ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત પછી રેલવે પ્રશાસનની કામગીરી અંગે સવાલો કરવામાં આવ્યા હતા. દુનિયામાં સસ્તા પરિવહનનું માધ્યમ રેલવે છે, પરંતુ વધતા અકસ્માતો ટ્રેનની સુરક્ષા-સેફ્ટી માટે ગંભીર સવાલો ઊભા કરે છે. 2021થી પાંચ ભીષણ ગંભીર અકસ્માતોની વાત કરીએ તો 300થી વધુ લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી ઇનિંગ શરુ કર્યા પછી વધતા અકસ્માતોને કારણે રેલવે પ્રધાનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા ગમે તેટલા સેફ્ટીના દાવા કરવામાં આવે, પરંતુ વધતા અકસ્માતો ક્યાંકને ક્યાંક બેદરકારી છતી કરે છે. જોઈએ છેલ્લા ચારેક વર્ષમાં થયેલા ભીષણ રેલવે અકસ્માત અને મૃતકના આંકડા.

બાલાસોરમાં અકસ્માતમાં 290 મોત
2023માં ઓડિશાના બાલાસોરમાં સૌથી મોટો અકસ્માત થયો હતો. ત્રણ ટ્રેનની ટક્કરમાં 290 લોકોનાં મોત થયા હતા, જ્યારે 900થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બહાનગા રેલવે સ્ટેશન નજીક શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ગૂડ્સ ટ્રેન સાથે ટકરાઈ હતી અને એના કોચ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. ત્યારબાદ બીજા ટ્રેક પરથી બેંગલુરુ હાવડા મેલ જઈ રહી હતી, જે કોરોમંડલ ટ્રેન સાથે ટકારાત ત્રણ કોચ ટ્રેક પરથી ઉતરી ગયા હતા.

પેસેન્જર ટ્રેનની ટક્કરમાં 14 પ્રવાસીનાં મોત
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આંધ્ર પ્રદેશમાં મોટો અકસ્માત થયો હતો, જેમાં 14 પ્રવાસીના મોત થયા હતા. વિશાખાપટ્ટનમ પાલસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટ્ટનમ પેસેન્જર ટ્રેનની ટક્કર થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રેનના લોકો પાઈલટે સિગ્નલ જમ્પ કર્યું હતું અને એને કારણે મોટો અકસ્માત થયો હતો.

કામાખ્યા એક્સપ્રેસ ડિરેલઃ ચારનાં મોત
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બિહારમાં કામાખ્યા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. બિહારમાં આનંદ વિહાર કામાખ્યા એક્સપ્રેસના છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ચાર લોકોનાં મોત અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મદુરાઈ જંક્શન પર ટ્રેનની આગમાં નવ પ્રવાસીનાં મોત
2023માં તમિલનાડુના મદુરાઈ જંક્શન પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેનના કોચ ટ્રેક પરથી ઉતરી પડવાનો બનાવ બન્યો નહોતો, પરંતુ મદુરાઈ જંક્શન પર ટ્રેનમાં આગ લાગી હતી. આ આગમાં નવ પ્રવાસી ભડથું થઈ ગયા હતા. લખનઊ-રામેશ્વરમ ભારત ગૌરવ ટ્રેન મદુરાઈ જંક્શન પર ઊભી રહી હતી ત્યારે પ્રવાસી ગેસનો સિલિન્ડર લઈ જઈ રહ્યો હતો, જ્યારે તેને ટ્રેનમાં કંઈ બનાવવાની કોશિશ કરી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.
પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ડિરેલ
2022માં 13મી જાન્યુઆરીના બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 કોચ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત પશ્ચિમ બંગાળના અલિપુરદ્વારમાં થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા.
