ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના પ્રકરણે BMC Action Modeમાં…
મુંબઈ: મુંબઈના ઘાટકોપર ખાતે સોમવારે વિશાળકાય પડી ગયેલા હોર્ડિંગને કારણે 14 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 65થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એક્શન મોડમાં આવી ગઈ છે. પાલિકા કમિશનરે મુંબઈમાં હોર્ડિંગ લગાવવા માટે પાલિકા પાસે પરવાનગી ના લીધી હોય એવા તમામ ગેરકાયદે હોર્ડિંગ હટાવવાનો આદેશ આપ્યો છે.
સોમવારના સાંજે અચાનક જોરદાર પવન સાથે વરસાદ પડતાં ઘાટકોપરના છેડા નગર ખાતે લોખંડનું તોતિંગ હોર્ડિંગ તૂટી પડ્યું હતું. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ એક્સિડન્ટ સાઈટની મુલાકાત લીધી હતી. પાલિકા કમિશનર ગગરાણીએ પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પાલિકાના તમામ વોર્ડમાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય પરવાનગી વિના લગાવવામાં આવેલા ગેરકાયદે તેમ જ જોખમી હોર્ડિંગ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે છેડા નગર ખાતે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ ત્યાં આવેલા ત્રણ અન્ય ગેરકાયદે હોર્ડિંગ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. જમીનની માલિકી કોઈની પણ હોય તેમ છતાં બિઝનેસ માટે પરવાનગી લઈને જ જાહેરાતના બોર્ડ લગાવવાનું ફરજિયાત હશે, એવી સ્પષ્ટતા કરીને રેલવે પોલીસ સાથે હોર્ડિંગ અને લાઈસન્સ બાબતે સમય સમય પર પત્રવ્યવહાર કર્યો હોવાનું પણ ગગરાણીએ વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન આ દુર્ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. BJPના MLA Ram Kadamએ આ ગેરકાયદે હોર્ડિંગ લગાડનાર એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભીડેના રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે સંબંધ હોઈ આ હોર્ડિંગની દુર્ઘટના સાથે ઠાકરેનું નામ જોડવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી બાજું શિવસેનાના સંજય રાઉતે આ ઘટના માટે ભાજપ તેમ જ શિંદે જૂથને જવાબદાર ઠેરવતા આક્ષેપો કર્યા હતા.