દુનિયાનો એક એવો દેશ જ્યાં રવિવારે કામ કરવું છે ‘ગુનો’! જો કામ કર્યું તો થઈ શકે જેલ…
સામાન્ય રીતે દુનિયાભરમાં રવિવાર એટલે રજાનો દિવસ અને મોજ-મસ્તીનો સમય હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા દેશ વિશે સાંભળ્યું છે જ્યાં રવિવારે કામ કરવું એ ગુનો ગણાય છે, એટલું જ નહીં આ દેશમાં આવું કરનાર વ્યક્તિને સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે? ચાલો તમને આજે આ અનોખા દેશ વિશે જણાવીએ અને જાણીએ કે આખરે આવું કેમ…
આપણે ત્યાં રવિવારે મોટાભાગે મોલ, માર્કેટ અને સુપર માર્કેટમાં સૌથી વધુ ભીડ જોવા મળે છે, કારણ કે આ દિવસે બધાને રજા હોય છે અને લોકો ફરવા નીકળી પડે છે. પરંતુ જર્મનીમાં પરિસ્થિતિ બિલકુલ અલગ છે. જર્મનીમાં રવિવારના દિવસે કામ કરવા પર પ્રતિબંધ છે અને આ માટે ત્યાં અત્યંત કડક કાયદો બનાવવામાં આવ્યો છે.
જર્મનીમાં રવિવારને ‘સોનટાગ્સરૂહે’ એટલે કે ‘રવિવારની શાંતિ’ (Sunday Rest) તરીકે ઓળખવામાં આવે છે. જર્મન કાયદા મુજબ, રવિવાર અને જાહેર રજાઓના દિવસે કોઈ પણ પ્રકારનું વ્યવસાયિક કામ કરવું ગેરકાયદેસર છે. આ કાયદો કોઈ નવો નથી, પરંતુ વર્ષોથી ત્યાંના બંધારણમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.
શા માટે દુકાનો બંધ રાખવામાં આવે છે?
જર્મનીમાં બનાવવામાં આવેલા આ રવિવારે બંધના નિયમ વિશે પાછળના કારણ ખૂબ જ સોશિયલ અને રિલિજિયસ છે. જર્મન સરકાર માને છે કે અઠવાડિયામાં એક દિવસ એવો હોવો જોઈએ જે સંપૂર્ણપણે પરિવાર, આધ્યાત્મિકતા અને આરામ માટે ફાળવવામાં આવે. સતત કામના ભારણથી બચવા અને લોકોની માનસિક શાંતિ જાળવી રાખવા માટે આ આખા દિવસનો વિરામ ફરજિયાત કરવામાં આવ્યો છે.
શું બધું જ બંધ રહે છે?
હવે તમને થશે કે જર્મનીમાં બધું કામકાજ રવિવારના બંધ રહે છે એની તો એવું નથી. રવિવારના બંધ રાખવાના કાયદામાં કેટલીક છૂટછાટો પણ આપવામાં આવી છે. ઈમર્જન્સી કે જીવનજરૂરિયાતની સેવાઓ જેમ કે હોસ્પિટલો અને ફાયર બ્રિગેડ, રેસ્ટોરાં અને કાફે (ચોક્કસ સમય માટે), ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) અને રેલવે સ્ટેશન પર આવેલી નાની દુકાનો, બેકરી (સવારના થોડા કલાકો માટે) ખુલ્લી રહે છે. પરંતુ સામાન્ય કપડાંની દુકાનો, ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ કે મોટા મોલ રવિવારે સંપૂર્ણપણે બંધ રહે છે.
કાયદાનું ઉલ્લંઘન કરવા પર સજા
હવે જો કોઈ કંપની કે દુકાનદાર આ નિયમનું પાલન ન કરે અને રવિવારે કામ ચાલુ રાખે તો તેની સામે શું પગલાં લેવાય એની વાત કરીએ તો આવું કરનાર સામે આકરા પગલાં લેવામાં આવે છે. આવું કરનારને ભારે દંડ ફટકારવામાં આવે છે. સ્થાનિક લોકો પણ આ કાયદાનું પાલન કરવામાં માને છે, તેથી રવિવારે રસ્તાઓ પર શાંતિ જોવા મળે છે.
ટુરિસ્ટને ખાસ અપીલ
જો તમે પણ ક્યારેય જર્મની જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો યાદ રાખજો કે તમારે શનિવારના જ તમારી તમામ જરૂરિયાતની વસ્તુઓની શોપિંગ ખરીદી લેવી જોઈએ. બની શકે કે રવિવારે આખું શહેર સુમસામ લાગે તેવું બની શકે છે, કારણ કે ત્યાંના લોકો આ દિવસને ‘રિચાર્જ’ થવા માટે વાપરે છે.
