ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન, મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમને ગૌતમ અદાણી ફરી એક વખત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ મૂકી દીધા છે. ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો રહ્યો છે. અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન 17.94 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે, જેથી ગૌતમ અદાણીની સંપત્તિ હવે 111 અબજ ડોલરે પહોંચી છે, જ્યારે મુકેશ અંબાણીનું માર્કેટ કેપ 109 અબજ ડોલરે રહ્યું છે.
16 મહિના પછી પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવ્યું છે. માર્કેટમાં ઊભા થયેલા સંકટો સામે ઝઝૂમીને ફરી એક વાર ગૌતમ અદાણીએ સફળતાપૂર્વક નવું શિખર સર કર્યું છે. બ્લુમબર્ગ બિલિયોનરના ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિમાં 5.45 અબજ ડોલર એટલે લગભગ 45,000 કરોડ રુપિયાના ફાયદો થયો. એની સાથે 16 મહિના પછી એશિયાના ધનવાનોમાં સ્થાન મેળવ્યું છે.
હિંડનબર્ગના રિપોર્ટને કારણે ગૌતમ અદાણી અને ગૌતમ અદાણીની કંપનીઓને ભયંકર નુકસાન થયું હતું. આમ છતાં ભારતીય શેરબજાર નિયામક દ્વારા ક્લિનચિટ મળ્યા પછી સ્ટોકમાં તબક્કાવાર તેજી જોવા મળી હતી. જે માર્કેટે ધીમે ધીમે સંપત્તિમાં ધોવાણ કર્યું હતું એમાં જ ધીમે ધીમે લેવાલી થવાને કારણે સંપત્તિમાં વધારો થયો છે.
પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 12.7 અબજ ડોલરની કમાણી કરી છે. બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી હવે દુનિયાના અગિયારમા સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. ત્યાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનો નંબર આવે છે.
111 અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. અગિયારમા ક્રમે લાંબા સમય સુધી અંબાણી રહ્યા હતા. ગૌતમ અદાણી વર્ષ 2024માં સૌથી વધુ પૈસા કમાવનાર બિઝનેસમેનની યાદીમાં સ્થાન મળ્યું છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ગૌતમ અદાણીએ 12.7 અબજ ડોલરની કમાણી કરી છે.