સૌના પ્રિય એવા ગણેશજીની પ્રિય રાશિઓ વિશે જાણો છો?
હિંદુ ધર્મમાં તમામ દેવ દેવીઓના ગણેશજીનું સ્થાન હમેંશા વિશેષ રહ્યું છે. કોઈ પણ શુભ કાર્ય હોય ગણેશજીના આશીર્વાદ વિના તેની શરૂઆત થતી નથી. દૂંદાળા દેવ સૌના પ્રિય છે, પણ શું તમને ખબર છે કેટલીક એવી રાશિઓ છે કે જે આ દૂંદાળા દેવની પ્રિય રાશિ છે? જી હા, દરેક દેવોને અમુક રાશિઓ ખૂબ જ વ્હાલી હોય છે અને એમની મીઠી નજરથી જે તે રાશિના કામ પણ પાર પડતા રહે છે. એ જ આપણા લાડકા બાપ્પાની પણ કેટલીક મનગમતી રાશિ છે અને આ રાશિના જાતકો પર હમેંશા ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વરસે છે? ચાલો તમને એ વિશે જણાવીએ…
મિથુન:
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધના દેવ ગણેશજી છે. આવી પરિસ્થિતિમાં હમેંશા મિથુન રાશિના જાતકો પર ગણેશજીની કૃપા જોવા મળે છે. આ રાશિના જાતકો જો ગણેશ ચતુર્થીના દિવસે સાચી શ્રધ્ધાથી બાપ્પાની પૂજા કરે તો તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સફળતા મળે છે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યામાંથી મુક્તિ મળવાની સંભાવના પણ છે.
કર્ક:
ચંદ્રમા બુધદેવના પિતા છે, અને એથી જ કર્કએ ચંદ્રમાની રાશિ ગણાય છે. આ સાથે સાથે કર્ક રાશિએ ગણેશજીની પણ મનગમતી રાશિ છે. જેથી આ રાશિના જાતકો પર ચંદ્રમા અને ગણેશજીની વિશેષ કૃપા જોવા મળે છે. આ રાશિના જાતકોએ ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે નિયમિત પણે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. કર્ક રાશિના જાતકો પર વિઘ્નહર્તાના ચાર હાથ હોય છે એટલે જ તેઓ એકદમ બુદ્ધિશાળી અને કલાકાર જીવ હોય છે.
કન્યા:
કન્યા રાશિના જાતકોનો સ્વામી પણ બુધ છે અને એટલે જ કન્યા રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીનો વિશેષ પ્રેમ જોવા મળે છે. આ રાશિના જાતકોને ગણેશજી હમેંશા મુશ્કેલીઓ અને વિઘ્નોમાંથી બહાર કાઢે છે. તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ જોવા મળે છે. કાયમ આ રાશિના જાતકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ દૂંદાળા દેવની કૃપાથી રહે છે.