11મી નવેમ્બરથી જસ્ટિસ સંજીવ ખન્ના બનશે ભારતના 51મા ચીફ જસ્ટિસ…
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણુંક કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડનો કાર્યકાળ 10મી નવેમ્બરના પૂરો થવા જઈ રહ્યો છે. પરિણામે 11મી નવેમ્બરથી જસ્ટિસ ખન્ના ચીફ જસ્ટિસનો પદભાર સંભાળશે. તેઓ દેશના 51માં ચીફ જસ્ટિસ બનશે અને તેઓ 13મી મે, 2025ના રોજ નિવૃત્ત થશે.
જસ્ટિસ એચ આર ખન્નાના ભત્રીજા છે સંજીવ ખન્ના
પરિણામે આ 51મા ચીફ જસ્ટિસનો કાર્યકાળ 6 મહિના જેટલો જ રહેશે. જસ્ટિસ ખન્નાએ 1983માં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને તેઓ 2005માં દિલ્હી હાઇ કોર્ટના જજ બન્યા હતા, ત્યાર બાદ જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્નાની ગણતરી ફોજદારી, સિવિલ, ટેક્સ અને બંધારણીય કાયદાઓના નિષ્ણાત કરવામાં કરવામાં આવે છે. એટલું જ નહીં પણ તેઓ પ્રખ્યાત જજ જસ્ટિસ હંસ રાજ ખન્નાના ભત્રીજા છે. જસ્ટિસ એચ. આર. ખન્ના ઇમરજન્સી સમયની 5 જજની બનાવવામાં આવેલી બેન્ચના એક માત્ર જજ હતા જેમણે ઇમરજન્સી દરમિયાન લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અંગે અન્ય જજોથી અલગ મત આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલના જામીન આપનાર જજ સંજીવ ખન્ના છે
જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા ચુકાદા આપ્યા છે, જેમાં સૌથી લેટેસ્ટ ચુકાદાની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલિન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે પણ તેમણે જણાવ્યું હતું કે PMLA એક્ટની કડક જોગવાઈઓ કોઈને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખવાનો આધાર બની શકે નહીં.
લગ્ન વિષયક મહત્ત્વનો ચુકાદો આપવાનો શ્રેય તેમના શિરે છે
તેમણે VVPAT અને EVMના 100 ટકા મેચિંગની માંગને નકારી કાઢી હતી. તેઓ એ બેન્ચના સભ્ય હતા, જેણે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે જો લગ્નને નિભાવવાનું અશક્ય હોય તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાનો સીધો ઉપયોગ કરીને છૂટાછેડાનો આદેશ આપી શકે છે.