…જુલાઈથી મુંબઈગરાનો પ્રવાસ બનશે વધુ આરામદાયક!
મુંબઈઃ મુંબઈનો વિકાસ અને વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. દરરોજ કામ-ધંધા માટે લાખો-કરોડો મુંબઈગરા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવા માટે લોકલ ટ્રેન, બેસ્ટની બસ, મેટ્રો તેમ જ મોનો રેલનો ઉપયોગ કરે છે અને હવે મુંબઈગરાનો પ્રવાસ વધારે આરામદાયક બનવા જઈ રહ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈમાં વધુ એક મેટ્રો સેવા શરૂ થવા જઈ રહી છે અને એને કારણે મુંબઈગરાનો પ્રવાસ વધારે વેગવાન થવા જઈ રહ્યો છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ મેટ્રો-થ્રીની. આ મેટ્રો-થ્રી એટલા માટે પણ ખાસ છે કારણ કે આ મેટ્રો મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો હશે. જુલાઈ મહિનાથી પ્રવાસીઓ આ મેટ્રોમાં પ્રવાસ કરી શકશે એવી માહિતી સામે આવી રહી છે. આ મેટ્રોને કારણે પ્રવાસીઓની ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન મેટ્રો-3 કોરિડોરના પહેલાં તબક્કાની મેટ્રોની ફર્સ્ટ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ટેસ્ટિંગ શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટિંગ પૂરી થયા બાદ જુલાઈ મહિનામાં મુંબઈ મેટ્રો-3 શરૂ કરવામાં આવશે.
એમએસઆરસીના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે આપેલી માહિતી અનુસાર મેટ્રોની પહેલી ટેસ્ટ પૂરી થયા બાદ તેને વધુ ટેસ્ટિંગ માટે RDSO પાસે મોકલવામાં આવે છે અને એમની પહેલાં તબક્કાની ટેસ્ટિંગ જૂનના પહેલાં અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે. એ સમયે મેટ્રોની સ્પીડ, સિસ્ટમ, સેફ્ટી અને રોલિંગ સ્ટોકની તપાસ કરવામં આવશે. RDSO પાસેથી સર્ટિફિકેટ મળ્યા બાદ ફાઈનલ સીઆરએસની ટેસ્ટિંગ માટે અરજી કરવામાં આવશે. જુલાઈ મહિના સુધી આ તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે.
મેટ્રો-3 કોરિડોરનો પહેલો તબક્કો આરે કોલોનીથી બીકેસી વચ્ચે શરૂ થવા જઈ રહ્યો છે અને આ માટે છેલ્લાં કેટલાય સમયથી મેટ્રોની ટ્રાયલ રન લેવામાં આવી રહી છે. સિગ્નલિંગ સિસ્ટમ, ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ, સ્ક્રીન ડોર અને ટ્રેકના ટેસ્ટિંગનું કામ પણ પૂરુ થઈ ગયું છે. આ સાથે એમએસઆરસીએ આરે કોલોનીમાં મેટ્રો કારશેડ ઊભું કરવાનું કામ પણ લગભગ પૂરું થવા જઈ રહ્યું છે. પહેલાં તબક્કામાં 9 રેક સાથે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે અને ત્યાર બીજા તબક્કામાં 11 ટ્રેનો સાથે આ સર્વિસ દોડાવવામાં આવશે.
