સુરતમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણનો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના બે લાખથી વધુ લાભાર્થીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. કર્મ, દાન અને જનસેવામાં હંમેશા આગળ રહેતા સુરતના ‘સુરતી સ્પિરિટ’ના દર્શન આજે વંચિત અને ગરીબ વર્ગોના ભલા માટેના સેવાકાર્યમાં પણ જોવા મળ્યા છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન દ્વારા સુરત જરૂરિયાતમંદ નાગરિકોના પોષણ અને ભોજનની કાળજી લેવામાં પણ આગળ નીકળ્યું છે. આ પ્રયાસમાં તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે તેમ વડા પ્રધાને જણાવ્યું હતું.
અનાજની કિટસનું પણ કર્યું વિતરણ
રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ (Priority Household-PHH) તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગાસ્વરૂપા માતાઓ-બહેનોની સાથોસાથ અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ- NFSA હેઠળ વડા પ્રધાનના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. વડા પ્રધાન, મુખ્યમંત્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને PMGKAYના લાભના પ્રતીકરૂપે અનાજની કીટ્સનું વિતરણ કર્યું હતું.
ન કોઈ છૂટે ના રુઠેનો સંતોષ થાય છે પ્રાપ્ત
વડા પ્રધાને પાત્રતા ધરાવતા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના તેમ જ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજના હેઠળ એક જ સમયે, એકસાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટીતંત્રની પહેલની સરાહના કરતા જણાવ્યું કે, સરકાર લાભાર્થીના ઘરના દરવાજે સામે ચાલીને જાય છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ બરહી જતા નથી હોતા. કોઈ ભેદભાવ વિના સૌને પોતાના હકો પ્રાપ્ત થાય છે અને ‘ન કોઈ છૂટે ન રૂઠે’નો સંતોષ મળે છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે.
રોટલો અને ઓટલો આપનાર શહેર બન્યું જાણીતું
દેશના તમામ રાજ્યો-પ્રદેશોના લોકો સુરતમાં વસે છે. વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ ભારતની પ્રતીતિ કરાવે છે. ઉદ્યમી શહેરની ઓળખ ધરાવતા આ શહેરે શ્રમનું સન્માન કર્યું છે, અહીં પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે. અન્ય રાજ્યોમાંથી સુરત આવેલા લાખો લોકોએ જીવનમાં આગળ વધવાના સપના સાકાર કર્યા છે. રોટી, કપડાં અને મકાનની પ્રાથમિક જરૂરિયાતોમાં રોટીની જરૂરિયાત સૌથી વધુ આવશ્યક હોય છે, ત્યારે સુરત રોટલો અને ઓટલો આપનાર શહેર તરીકે ખ્યાતનામ બન્યું છે.
વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની
ગરીબ કલ્યાણ અન્ન યોજના ૮૧ કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે એમ ગર્વપૂર્વક જણાવી પ્રધાનમંત્રીએ આ યોજનાને માનવતાને મહત્વ દેતી યોજના ગણાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને અનાજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. આ યોજના ગત જાન્યુઆરી, ૨૦૨૪થી વધુ ૫ વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ દેશના અંદાજે ૮૧ કરોડ જેટલા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) લાભાર્થીઓને મળશે.
૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં
પીએમ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી પીએમ જનધન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સ્વનિધિ, પીએમ માતૃ વંદના સહિતની અનેક યોજનાઓ ગરીબોના જીવન ધોરણને ઊંચુ લાવવામાં અને તેમના સશક્તિકરણમાં મદદરૂપ સાબિત થઈ છે અને તેના પરિણામે પાછલા ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે.
