રશિયામાં દેખાયા 4 ચંદ્ર: જાણો શું છે રહસ્ય?
સેન્ટ પીટર્સબર્ગમાં જોવા મળેલી અદભૂત ખગોળીય ઘટના ‘મૂન ડોગ’ પાછળનું વિજ્ઞાન

સોશિયલ મીડિયા પર છેલ્લા પંદર દિવસથી અસાધારણ ઘટનાઓ બની રહી છે, જે માન્યામાં આવે એવી બિલકુલ નથી. પુણેના લોણાર લેકમાં જળસ્તરમાં વધારો થવાનું કે લદ્દાખના આકાશમાં લાલ આકાશનો નજારો જોવા મળ્યો હતો, ત્યાર પછી હવે આકાશમાં એક નહીં, ચાર-ચાર ચંદ્ર જોવા મળ્યા છે, જેનાથી ખગોળશાસ્ત્રીઓમાં અચરજ ફેલાયું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ કૌતુક વ્યક્ત કર્યું હતું.
અત્યાર સુધીમાં ચાર ચાંદ દેખાવવાની કહેવત તો સાંભળી હશે, પરંતુ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં એક સાથે ચાર ચાંદ જોવા મળ્યા છે, જેનાથી વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા છે. રશિયાના જાણીતા શહેર સેન્ટ પિટર્સબર્ગના રહેવાસીઓને અવકાશમાં ચાર ચંદ્ર જોયા ત્યારે તેનો વીડિયો પણ કેમેરામાં કેદ કર્યો હતો.
લોકોએ આકાશમાં આ અલભ્ય નજારો જોયો ત્યારે જોઈને અચરજમાં પડી ગયા હતા. સૌએ વીડિયો શેર કરીને એના અંગે સવાલો ચલાવ્યા હતા કે આ કોઈ કુદરતી નજારો છે કે કોઈ ચેતવણી. રશિયામાં અનેક યૂઝર્સે વીડિયો શેર કર્યો હતો, જેમાં ચાર ચંદ્રમાં જોવા મળતા હતા. લોકોએ સવાલ કરતા પૂછ્યું હતું કે ગેલેક્સીમાં તો એક જ ચંદ્ર છે તો પછી ચાર-ચાર ચંદ્ર કઈ રીતે જોવા મળી શકે છે.
ખગોળશાસ્ત્રીઓએ આ ઘટના અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, જે એક ઓપ્ટિકલ ભ્રમ હોવાનું કહે છે. ઓપ્ટિકલ ભ્રમ જે પેરાસેલેન (Paraselene) પણ કહેવાય છે. આવી ઘટના એવા સમયે થાય છે, જ્યારે ચંદ્રની લાઈટ ઠંડી હવામાં રહેલા બરફના ક્રિસ્ટલને ટકરાઈને રિફ્રેક્ટ કરે છે. હવે સેન્ટ પીટર્સબર્ગની ઠંડી અને સ્થિર હવામાં ઊંચાઈ પર રહેલા સિરરસ વાદળો (cirrus clouds)માં ષટ્કોણીય બરફના સ્ફટિકો (crystals) તરતા હોય છે.
આ સ્ફટિકો નાના પ્રિઝમની જેમ કામ કરે છે અને ચંદ્રના પ્રકાશને આશરે 22 ડિગ્રીના ખૂણે વાળી દે છે. પરિણામે, અસલી ચંદ્રની બંને બાજુએ તેજસ્વી ધબ્બા અથવા ‘મોક મૂન’ (નકલી ચંદ્ર) બની જાય છે, જેને ‘મૂન ડોગ’ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પેરાસેલેનીમાં આવા બે નકલી ચંદ્ર દેખાય છે, પરંતુ સેન્ટ પીટર્સબર્ગમાં ખાસ પરિસ્થિતિઓને કારણે એકસાથે અનેક પેરાસેલેન દેખાયા, જેનાથી એવું લાગ્યું કે જાણે આકાશમાં ચાર ચંદ્ર ચમકી રહ્યા હોય.
સેન્ટ પીટર્સબર્ગના અતિશય ઠંડા વાતાવરણ (-20 ડિગ્રી સેલ્સિયસથી નીચે) એ બરફના સ્ફટિકોને સારી રીતે બનવામાં મદદ કરી, જેનાથી આ દ્રશ્ય વધુ સ્પષ્ટ અને પ્રભાવશાળી બન્યું. ખગોળશાસ્ત્રીઓના મતે, આ ઘટના ત્યારે વધુ ખાસ બની જાય છે જ્યારે ચંદ્ર ખૂબ તેજસ્વી હોય, જેમ કે પૂનમ અથવા તેની આસપાસનો સમય. સ્થાનિક લોકો અને ખગોળપ્રેમીઓએ આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેને RT અને અન્ય મીડિયાએ કવર કર્યા હતા.
મૂન ડોગ જેવી જ હોય છે ‘સન ડોગ’ની ઘટના
એકસાથે એકથી વધુ ચંદ્ર દેખાવવાની ઘટનાને ‘મૂન ડોગ’ કહેવામાં આવે છે. તેવી જ રીતે, ઘણી વખત ‘સન ડોગ’ની ઘટના પણ જોવા મળે છે, જેમાં એકસાથે એકથી વધુ સૂર્ય દેખાઈ શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પેરાસેલેની એ સૂર્યની આસપાસ દેખાતા સન ડોગ (parhelion) નું જ ચંદ્ર સંસ્કરણ છે. આ ઘટના ‘હેલો’ (Halo) પરિવારની ઘટનાઓમાં સામેલ છે અને આર્કટિક અથવા રશિયાના ઉત્તરી ભાગ જેવા ઠંડા અને શુષ્ક પ્રદેશોમાં વધુ સામાન્ય છે. આ પહેલા મુરમાન્સ્ક વિસ્તારમાં ત્રણ સૂર્ય દેખાવા જેવી ઘટના બની હતી, જે આ પ્રકારના જ ઓપ્ટિકલ ઈલ્યુઝન (પ્રકાશીય ભ્રમ) સાથે જોડાયેલી હતી.
