અલવિદા મનમોહનઃ રાષ્ટ્રીય સન્માન સાથે પૂર્વ વડા પ્રધાનના અંતિમસંસ્કાર કરાયા
સ્મારક બનાવવા મુદ્દે રાજકીય વિવાદઃ નરસિમ્હા રાવના નિધન પછી કોંગ્રેસે શું કર્યું?
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું 92 વર્ષે નિધન થયા પછી આજે નિગમ બોધ ઘાટ પર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને સલામી આપવામાં આવી હતી. અંતિમસંસ્કાર વખતે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા બાદ પૂર્વ વડા પ્રધાનના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. એ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે મનમોહન સિંહનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
દરમિયાન મનમોહન સિંહના નિવાસસ્થાનેથી નિગમ બોધ ઘાટ ખાતેથી નીકળેલી પાલખી યાત્રામાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજરી રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. 2004થી 2014 સુધી બે વખત ભારતના વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાતે નિધન થયું હતું. જોકે, મનમોહન સિંહના યોગદાન બદલ તેમનું સ્મારક બનાવવાનો મુદ્દો વિવાદમાં પડ્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનને લઈ સમગ્ર દેશમાં તેમના યોગદાન અને કાર્યોને લઈ લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તેમની આર્થિક નીતિઓ અને દેશને મંદીમાંથી ઉગારવાના પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા પહેલા પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણા પ્રધાન હતા અને નરસિમ્હા રાવના નેતૃત્વમાં દેશમા આર્થિક સુધારા કર્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે નરસિમ્હા રાવને તેમની કામગીરી મુજબ સન્માન મળ્યું નહોતું. એટલે સુધી કે નિધન થયા પછી પાર્ટીએ કરેલી ઉપેક્ષાને લઈ ટીકા થઈ હતી.
કોંગ્રેસે નરસિમ્હા રાવને સન્માન આપ્યું નહોતું
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે કોંગ્રેસને યાદ કરાવ્યું કે નરસિમ્હા રાવને જે સન્માન મળવું જોઈતું હતું એ કોંગ્રેસે આપ્યું નહોતું. નરસિમ્હા રાવનું નિધન 23 ડિસેમ્બર 2004માં થયું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટી તેમના પાર્થિવ દેહને દિલ્હી સુધી લાવવા દીધો નહોતો. અંતિમસંસ્કાર દિલ્હી કરવા દીધા નહોતા. એમનો મૃતદેહ થોડા સમય સુધી પાર્ટીના કાર્યાલય બહાર રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ આંધ્ર પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
નરસિમ્હા રાવે કરેલા સુધારાને કોંગ્રેસે અવગણ્યા
આ જ નરસિમ્હા રાવે દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે મહત્ત્વના પગલાં ભર્યાં હતા, પરંતુ કોંગ્રેસે તેમને એક સશક્ત નેતા તરીકે સ્વીકાર્યા નહોતા. પરિવાર ઈચ્છતો હતો કે તેમના અંતિમસંસ્કાર દિલ્હીમાં કરવામાં આવે, પરંતુ કોંગ્રેસ એ વાતથી સંમત થયા નહોતા અને અંતમાં નરસિમ્હા રાવનો પરિવારે હૈદરાબાદમાં અંતિમસંસ્કાર માટે રાજી થયો હતો.
રાવ માટે દિલ્હીમાં કોંગ્રેસે સ્મારક બનાવ્યું જ નહીં
આ મુદ્દે જોરદાર રાજકીય વિવાદ પણ થયો હતો. તત્કાલીન ગૃહ પ્રધાન શિવરાજ પાટીલે રાવના પરિવારને હૈદરાબાદ લઈ જવાની અપીલ કરી હતી, પરંતુ પરિવારે દિલ્હીની જીદ પકડી હતી. આમ છતાં આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીએ રાવના પરિવારને સમજાવવાની કોશિશ કરીને હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવા જણાવ્યું હતું. એ વખતે રાવના પરિવારે શરત રાખી હતી કે દિલ્હીમાં સ્મારક બનાવવામાં આવે. આમ છતાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સહમત થયા નહોતા.
નરસિમ્હા રાવને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા
નરસિમ્હા રાવના યોગદાનને લઈ તેમને ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા હતા, જે ભારતીય જનતા પાર્ટીએ આપ્યું હતું. કોંગ્રેસે જે જીવ્યા ત્યાં સુધી અને નિધન પછી પણ તેમનું સન્માન કર્યું નહોતું. એનાથી સ્પષ્ટ થયું હતું કે કોંગ્રેસે પાર્ટી અને પોતાની રાજકીય નીતિને કેટલું મહત્ત્વ આપ્યું હતું. એનાથી વિપરીત રાવની રીતસરની અવગણના કરવામાં આવી હતી.
તો કોંગ્રેસનું પણ સન્માન વધ્યું હોત
મનમોહન સિંહના અંતિમસંસ્કાર વખતે કોંગ્રેસ પાર્ટીએ રાજકારણ રમીને સૌથી પહેલા મનમોહન સિંહ માટે સ્મારકની માગણી કરી અને એ પણ રાજઘાટ ખાતે બનાવવાની ડિમાન્ડ કરીને રાજકારણ રમવાનું શરુ કર્યું છે. પણ આ જ માગણી પૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવ માટે કર્યાં હોત તો કોંગ્રેસ પાર્ટીના સન્માનમાં વધારો થયો હોત.