ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન, રાજકીય કારકિર્દી કેવી રહી?
અર્થતંત્રમાં કરેલા સુધારા માટે દેશ સદા ડો. મનમોહન સિંહનો ઋણી રહેશે
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડા પ્રધાન અને દેશના દિગ્ગજ અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું ગુરુવારે રાતે નિધન થયું. ડો. મનમોહન સિંહે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. સાંજે તબિયત લથડ્યા પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. મનમોહન સિંહ દેશના વડા પ્રધાન તરીકે 2004થી 2014 સુધી પદભાર સંભાળ્યો હતો. ભારતમાં આર્થિક સુધારા માટે જાણીતા બન્યા હતા. તેઓ મહાન અર્થશાસ્ત્રી માનવામાં આવતા હતા. 1991માં આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ નીતિથી દેશને નવું જોમ આપ્યું હતું. મનમોહન સિંહ કેટલું ભણ્યા હતા એ જાણીએ. મનમોહન સિંહે એવા એક માત્ર પીએમ હતા જેમના હસ્તાક્ષરથી ચલણી નોટ બહાર પાડવામાં આવતી હતી. એની વાત કર્યા પહેલા અભ્યાસ અને રાજકીય કારકિર્દીની વાત.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું
ડો. મનમોહન સિંહને વડા પ્રધાનની સાથે ભારતના મહાન અર્થશાસ્ત્રી તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. વિભાજન વખતે તેઓ પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. મનમોહન સિંહ પંજાબ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. એના પછી તેઓ કેમ્બ્રિજ ગયા હતા, જ્યાંથી ઓક્સફર્ડ ગયા હતા, જ્યાંથી હાયર એજ્યુકેશન મેળવ્યું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. અર્થશાસ્ત્રના ટીચર રહેલા ડો. મનમોહન સિંહ પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર પણ રહ્યા હતા.

મનમોહન સિંહની રાજકીય કારકિર્દી કેવી રહી?
ડો. મનમોહન સિંહ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારમાં 2004થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1991માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને પૂર્વ વડા પ્રધાન નરસિંહારાવની સરકારમાં તેઓ નાણા પ્રધાન બન્યા હતા. મનમોહન સિંહ પહેલી ઓક્ટોબર, 1991થી 14 જૂન, 2019 સુધી સતત પાંચ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા, એના પછી 20 ઓગસ્ટ 2019થી ત્રીજી એપ્રિલ, 2024 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત, 1998થી 2004 સુધી ગૃહમાં પાર્ટીના નેતા રહ્યા હતા. 1990માં રાજીવ ગાંધીની સરકારમાં આર્થિક સલાહકાર રહ્યા હતા.
તેમના હસ્તાક્ષરથી ચલણી નોટ બહાર પડી હતી

જો હવે તમારા મનમાં સવાલ થયો હોય તો પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ 1982થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર પણ રહ્યા હતા. દેશના ચલણ પર હસ્તાક્ષર કરવાની દરેક તક મળતી નથી. પણ મનમોહન સિંહ જ્યારે રિઝર્વ બેંક ગવર્નર રહ્યા ત્યારે તેમના હિસ્સામાં ચલણી નોટ પર હસ્તાક્ષર કરવાની તક મળી હતી. ગવર્નર બદલાય તેમ નોટ પર સહી પણ બદલાતી રહે છે. આરબીઆઈના ગવર્નરના કાર્યકાળ વખતે ચલણી નોટ પર ડો. મનમોહન સિંહના હસ્તાક્ષર હતા એ પણ અસાધારણ સંજોગ હતો. એના સિવાય ડો. મનમોહન સિંહ 1966થી 1969 વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન માટે આર્થિક બાબતના અધિકારી તરીકે કામ કર્યું હતું.
