Donald Trumpના શપથગ્રહણ સમારંભમાં વિદેશ મંત્રી જશે અમેરિકા
નવી દિલ્હીઃ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત શપથ લેશે, ત્યારે યુએસમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે વિદેશ મંત્રી જશે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ સમારોહમાં ભારત સહિત અનેક દેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.
ટ્રમ્પ વેન્સ ઉદ્ઘાટન સમિતિએ આપ્યું આમંત્રણ
20મી જાન્યુઆરીના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે. ટ્રમ્પના શપથગ્રહણના સમારંભમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહેશે. એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે તેમની સાથે વિદેશના અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પ-વેન્સ ઉદ્ધાટન સમિતિએ શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે ભારત સરકારને આમંત્રણ આપ્યું હતું, જે અન્વયે એસ. જયશંકર પ્રતિનિધિત્વ કરશે, એવી માહિતી આજે ભારત સરકારે આપી છે.
47માં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ શપથ લેશે
જયશંકરની મુલાકાત વખતે તેઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું છે કે ટ્રમ્પવેન્સ ઉદ્ધાટન સમિતિએ આમંત્રણ અંગે વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ જે. ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મંત્રાલયના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે યુએસની મુલાકાત વખતે અન્ય નેતા સાથે મહત્ત્વના લોકો સાથે મુલાકાત કરશે.
20મી જાન્યુઆરીના 12 વાગ્યે કાર્યક્રમ શરુ થશે
ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીના બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળશે. અહીં એ જણાવવાનું કે ટ્રમ્પની કેબિનેટમાં ભારતીય મૂળના અનેક લોકોનો સમાવેશ કરી શકાય છે. 20મી જાન્યુઆરીના બપોરના 12 વાગ્યાથી કાર્યક્રમની શરુઆત થશે. શપથગ્રહણના કાર્યક્રમમાં પરેડ અને અન્ય ઔપચારિક કાર્યક્રમનો સમાવેશ થશે.
માર્ટિન લ્યુથર જુનિયર ડેના દિવસે શપથગ્રહણ
20મી જાન્યુઆરીનો દિવસ અમેરિકા માટે મહત્ત્વનો દિવસ છે, કારણ કે આજ દિવસે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે તરીકે સેલિબ્રેટ કરાય છે, જ્યારે આ દિવસે રજા પણ રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહના દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ હાજર રહી શકે છે.
