December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશેઃ પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ

Spread the love


‘ચિપથી શિપ’ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃદ્ધિના દ્વાર ખોલવાની હાકલ કરી

ગુજરાતમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત – લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ

ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃધ્ધિ’ કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘ચિપથી શિપ’ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનો દ્વાર ખોલવો છે. શનિવારે ભાવનગર સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે. ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મુક્તા જણાવ્યું કે, સો દુ:ખોની એક જ દવા છે તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયાકિનારો સમૃદ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પૂરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરિન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે.

જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા
ભારતનું કોઇ દૂશ્મન નથી. દૂશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી ‘આત્મનિર્ભર ભારત’ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે.

ગર્વથી કહો, આ સ્વદેશી છે
આ સંદર્ભમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ મંત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશવાસીઓએ એક ભારત – શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે કાર્ય કરવું પડશે. ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર ગર્વથી કહો, આ સ્વદેશી છેના સ્ટિકર લગાવી આત્મનિર્ભર ભારતની આહલેખને વધુ મજબૂત બનાવે. પોર્ટ લેઇડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો ગતિ-પ્રગતિમાં છે. ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડીંગ અને રિ-સાયક્લિંગના કાર્યો વિકસિત થઇ રહ્યાં છે.

ભારતમાં સામર્થ્યની કોઇ કમી નથી
આત્મનિર્ભરતા કેળવવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે. દુનિયા સામે ટટ્ટાર ઉભું રહેવું પડશે. ભારતમાં સામર્થ્યની કોઇ કમી નથી. આઝાદી બાદ કોંગ્રેસે લાઇસન્સ અને ક્વોટા રાજમાં દેશનાં મેરિટાઇમની ઇકોસિસ્ટમને ઠપ્પ કરી નાંખી હતી. ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા એ આપણી મજબૂરી બની ગઇ હતી. માત્ર ૫ ટકા જ ધંધો રહી ગયો હતો. દર વર્ષે ભારત ૭૫ બિલિયન (૬ લાખ કરોડ) વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે ચૂકવતું હતું. આ સ્થિતિને આપણે સ્વદેશી જહાજોનું નિર્માણ કરી બદલવી છે. તાજેતરમાં, ભારત આઇ.એન.એસ. વિક્રાંત સહિત ૪૦ સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યુ છે, જેમા હાઇ ક્વોલિટી સ્ટીલ સહિતની સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી છે. જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે.

દરિયાઈ વેપારને નવી દિશા આપવા કાયદામાં બદલાવ
વર્તમાન સરકારે સામુદ્રિક વેપારને નવી દિશા આપવા અનેક કાયદામાં બદલાવ કર્યો છે. મેરિટાઇમ ક્ષેત્રમાં રિફોર્મ કરી ૫ કાયદા નવા અવતારમાં રજૂ કર્યા છે, તેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. ભારત સદીઓથી મોટા જહાજો બનાવવાનો વારસો ધરાવતું હતું. આ ઇતિહાસને પુન:જીવિત કરવો છે. મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી શિપ બિલ્ડર્સને બેન્કમાંથી સરળતાથી લોન મળશે અને વ્યાજમાં પણ રાહત થશે. આનાથી ભારતની શિપિંગ કંપનીઓ પર પડતો બોજો ઓછો થશે.

નાવિકોની સંખ્યા એક દશકમાં ત્રણ લાખ થઈ
સાગરમાલા જેવા ઉપક્રમોને પરિણામે સમુદ્રી રસ્તાથી વિશ્વભરમાં વેપાર વધી રહ્યો છે. હયાત વેપારને ત્રણ ગણો કરવાનું આયોજન છે. આ ક્ષેત્રે ભારત આજે દુનિયાના ટોપ ત્રણ દેશોમાં આવી ગયો છે. શિપિંગ માટે ૧૦૦ રોજગાર ઉભા થાય છે, તો તેની સાથે જોડાયેલા ઉદ્યોગમાં ૬૦૦ રોજગાર ઉભા થાય છે. તે સામુદ્રિક ક્ષેત્રની મલ્ટિપ્લાયર ઇફેક્ટ છે. ૭૫,૦૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં પોર્ટ બની રહ્યું છે. દેશમાં નાવિકોની સંખ્યા એક દશકમાં ૧.૨૫ લાખથી વધીને ૩ લાખ થઇ છે. તેના દ્વારા ભારતનો સામુદ્રિક હિસ્સેદારીમાં ત્રણ ગણો વધારો કરવો છે તેમની ભૂમિકા તેમણે આપી હતી.

ભારત અદભૂત સામૃદ્રિક વારસો ધરાવે છે. લોથલ તેનું મોટું ઉદાહરણ છે. લોથલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે. તે ભારતની સામુદ્રિક વિરાસત – ધરોહરને ભવિષ્યની પેઢી સુધી ભારતના સામર્થ્યને દર્શાવવાનું માધ્યમ બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!