ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, 300થી વધુ પ્રવાસીનો બચ્યો જીવ
ચેન્નઈઃ ચેન્નઈ એરપોર્ટ પર રાતના એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ચેન્નઈ એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટના એન્જિનમાં અચાનક આગ લાગ્યા બાદ અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. ફ્લાઈટે ઉડાન ભર્યા પહેલા અચાનક ખામી સર્જાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ફ્લાઈટ ઉપડ્યા પહેલા એન્જિનમાં ધુમાડો નીકળ્યો હતો, જેને કારણે અફડાતફડીનો માહોલ નિર્માણ થયો હતો.
પણ ફ્લાઈટ બે કલાકથી મોડી ઉપડી
ફ્લાઈટમાં 300થી વધુ પ્રવાસી હતા. રાતના 9.50 વાગ્યાના સુમારે એન્જિનમાં ઓવરફિલિંગને કારણે અચાનક ધુમાડો નીકળ્યો હતો. બનાવની જાણ પછી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી અને ઘટનાસ્થળે પહોંચીને આગને નિયંત્રણમાં લીધી હતી. આ બનાવને કારણે ફ્લાઈટ કલાકો સુધી મોડી પડી હતી. બે કલાક પછી ફ્લાઈટને ઉપાડવામાં આવી હતી.
વધુ ઇંધણ ભરતા ગરમીથી લાગી આગ
પ્રાથમિક તપાસ કરવામાં આવ્યા પછી જાણવા મળ્યું હતું કે ફ્લાઈટમાં વધુ પડતું ઈંધણ ભરવામાં આવ્યું હતું, તેથી ગરમીને કારણે આગ લાગી હતી. બનાવ પછી તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી તેમ જ 300થી વધુ પ્રવાસી સુરક્ષિત રહી શક્યા હતા. જોકે, પળનો વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
પેસેન્જરને વેઈટિંગ રુમમાં ખસેડાયા
ફ્લાઈટમાં આગ લાગ્યાની જાણકારી મળ્યા પછી એરપોર્ટ પ્રશાસન દ્વારા તમામ પ્રવાસીઓને વેઈટિંગ રુમમાં લઈ જવામાં આવ્યા હતા. ફ્લાઈટનું રિપેરિંગ કર્યા પછી કંપનીએ જણાવ્યું હતું કે આ બનાવ ફ્લાઈટે ઉડાન ભર્યા પહેલા થયો હતો, જ્યારે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આમ છતાં બનાવને કારણે ફ્લાઈટે મોડી ઉડાન ભરી હતી. જોકે, એની વચ્ચે અમુક પ્રવાસીઓએ પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને ફરિયાદ પણ કરી હતી.
