મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઈગર’ને લઈ ધમાલઃ પાંચથી છ સાંસદ ઠાકરે જૂથમાંથી એકનાથ શિંદે જૂથમાં જશે
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં દર મહિને નવા નવા અહેવાલો મળી રહ્યા છે, જેમાં તાજેતરમાં ઓપરેશન ટાઈગર લઈને શિવસેનામાં મોટી ઉથલપાથલના એંધાણ છે. ઓપરેશન ટાઈગરને લઈ ઉદ્ધવ ઠાકરે જૂથના પાંચથી છ સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં જવાના વર્તારા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં નિયમિત રીતે કોઈના કોઈ ઉથલપાથલ થતી રહી છે, જેમાં અગાઉની લોકસભાની કે પછી વિધાનસભાની ચૂંટણી પછી હવે પાલિકાની ચૂંટણીને લઈ મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. શિવસેના શિંદે જૂથના ઓપરેશન ટાઈગરે ધમાલ મચાવી છે. હવે કહેવાય છે કે આ ઓપરેશન અન્વયે ઠાકરે જૂથના અનેક સાંસદ શિંદેસેનામાં સામેલ થઈ શખે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર છ સાંસદ ટૂંક સમયમાં શિંદે કેમ્પમાં જવાની અટકળો બળવત્તર બની છે અને આ પ્રક્રિયા સંસદના આગામી સત્ર પહેલા પૂરી કરી શકાય છે. એકનાથ શિંદેના રાઈટ હેન્ડ ઉદય સામંતે મોટો દાવો કર્યો છે.સામંતે દાવો કરતા કહ્યું હતું કે આ અગાઉ પણ જણાવ્યું હતું કે એકનાથ શિંદેએ જે કામ કર્યું છે, તેના પછી કોઈ ઓપરેશનની જરુરિયાત પડશે નહીં. લોકોના મનમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બાળા સાહેબ ઠાકરેના વિચારોને ફક્ત શિંદે જ છે. આ જ કારણથી ઠાકરે જૂથના લોકો અમારા સંપર્કમાં છે અને તેઓ ધીરે ધીરે પાર્ટીમાં સામેલ થશે.
ઉદય સામંતે કહ્યું હતું કે અનેક સાસંદ અને વિધાનસભ્યો શિંદે જૂથના સંપર્કમાં છે અને ઉદ્ધવ ઠાકરેની તુલનામાં એકનાથ શિંદેનું નેતૃત્વ વધારે શક્તિશાળી છે, તેથી અનેક નેતા શિંદે જૂથમાં સામેલ થવાનો પ્રયાસ કરશે. અગાઉ સામંતે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર મારા સારા મિત્ર છે, પરંતુ તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. પહેલા તેમને પોતાની પાર્ટીની ચિંતા કરવી જોઈએ અને અમે એવું કોઈ ક્યારેય પગલું નહીં ભરીએ, જેનાથી એકનાથ શિંદેને નુકસાન થાય. આ પ્રકારની નીતિથી બચવું જોઈએ.