દશામાની મૂર્તિનું વિસર્જનઃ સાબરમતી નદીમાં પાંચ ડૂબ્યા, ત્રણનાં મોત
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં દશામાના વ્રત નિમિત્તે મૂર્તિને સાબરમતી નદીમાં પધરાવવા જતા એક હૃદયદ્રાવક ઘટના બની. સાબમરતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જતા ત્રણેક લોકો ડૂબ્યા હતા, જેમાં બે જણને બચાવી લેવામાં આવ્યા હતા.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સેક્ટર 30માં સાબરમતી નદીમાં સ્થાનિકો દ્વારા દશામાની મૂર્તિનું વિસર્જન કરવા લોકો ગયા હતા, જ્યાં એક કિશોરવયની દીકરી નદીમાં ડબૂી હતી, ત્યારે તેને બચાવવા માટે લોકોએ ડૂબકી લગાવી હતી. પાણી ઊંડું હોવાથી બચાવનારા લોકો પણ ડૂબ્યા હતા, જેમાં ત્રણ જણનું ડૂબી જવાથી મોત થયું હતું.
મધરાતે મૂર્તિનું વિસર્જન કરવા જતા પાણીનું લેવલ વધારે હોવાથી સૌથી પહેલા 12 વર્ષની છોકરી ડૂબી હતી, ત્યારબાદ તેને બચાવવા માટે અન્ય બે લોકોએ પણ પ્રયાસ કર્યા હતા, પણ કિશોરી મળી નહોતી. આ ઘટનામાં ત્રણનાં મોત થયા છે. આ ત્રણ જણમાં 12 વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. આમ છતાં અન્ય બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, એમ બચાવકર્તા ટીમે જણાવ્યું હતું.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમના અધિકારીએ કહ્યું છે કે આ દુર્ઘટનામાં ત્રણેય મૃતકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકમાં બાર વર્ષની છોકરીની ઓળખ પૂનમ પ્રજાપતિ તરીકે કરવામાં આવી છે, જ્યારે અન્ય બે શખસમાં એક અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ તરીકે ઓળખ કરી છે. અકસ્માતનો કેસ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં નિરંતર નદી-દરિયામાં ડૂબવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. આ અગાઉ ચોમાસા પૂર્વે વિવિધ બનાવોમાં ડૂબવાથી અનેક લોકોના મોત થયા છે, જ્યારે અનેકને બચાવવામાં આવ્યા છે. વડોદરામાં ચાંદોદમાં નર્મદા નદીમાં નહાવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નર્મદા નદીમાં પાણીની સપાટીમાં વધારો થયા પછી સ્થાનિક પ્રશાસન દ્વારા સ્નાન આદિ માટે પ્રતિબંધ મૂક્યો છે.
