આ વર્ષના અંત સુધીમાં હવે તમે સ્લીપર વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરશો
નવી દિલ્હીઃ ભારતીય રેલવેની સૌથી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને વર્ષના અંત સુધીમાં દોડાવી શકાય છે. 2019માં શરુ કરવામાં આવેલી ચેર-કાર વંદે ભારત ટ્રેન પછી હવે નવા સંસ્કરણમાં સ્લીપર ટ્રેન દોડાવવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેન હશે, જે ગુજરાતમાં દોડાવી શકાય છે, પરંતુ સત્તાવાર રીતે એ વાતને સમર્થન મળ્યું નથી.
ચેરકાર વંદે ભારત ટ્રેનના મળેલા ફિડબેક પછી વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. ચેર કારના સ્થાને સ્લીપર વંદે ભારત હશે, જ્યારે ટ્રેનમાં કવચ સિસ્ટમ હશે. ટ્રેનની વિશેષતમાં ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ કારની બોડી, જીએફઆરપી ઈન્ટરનલ પેનલ, મોડ્યુલર પેન્ટ્રી, ફાયર પ્રુફ સિસ્ટમ (ઈએન 45545), શારીરિક વિકલાંગ પ્રવાસી માટે સુવિધાથી સજ્જ હશે. આ ઉપરાંત, ઓટોમેટિક ડોર સિસ્ટમ, સેન્સર આધારિત ઈન્ટરકોમ્યુનિકેશન સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ સાથે રીડિંગ લાઈટનો પણ સમાવેશ થાય છે.
વંદે ભારત સ્લીપરમાં ભારતીય રેલવે યુરોપમાં નાઈટજેટ સ્લીપર ટ્રેનના માફક બેસ્ટ ટ્રેનની સુવિધા પૂરી પાડવા માગે છે, જેમાં રાતના લાઈટ બંધ થયા પછી શૌચાલય જનારા પ્રવાસીઓ માટે સીડીના નીચે ફર્શ પર એલઈડી સ્ટ્રિપ્સ હશે તેમ જ ટ્રેન એટેન્ડન્ટ માટે અલગ બર્થ હશે.
મે, 2023માં 16 કોચની વંદે ભારત સ્લીપર ટ્રેનના 10 રેકની ડિઝાઈન અને નિર્માણ કાર્ય બીઈએમએલ લિમિટેડને ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ટ્રેનની સ્પીડ કલાકના 160 અને 180 કિલોમીટરની હશે, જ્યારે ટ્રાયલ રન પછી ડિસેમ્બર, 2024 સુધીમાં પ્રવાસીઓને સુવિધા મળશે.
ચેન્નઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર થયેલી સૌથી પહેલી વંદે ભારત ટ્રેનને સપ્ટેમ્બરના અંત સુધીમાં ડિલિવર કરવામાં આવશે.
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ)ના પ્લાન્ટમાં નિર્મિત આ ટ્રેનને રવાના કરવામાં આવ્યા પછી ટ્રાયલ રન કરવામાં આવશે. ટ્રાયલ રન એકથી બે મહિના સુધી ચાલી શકે છે, જ્યારે ટ્રેનનો ટ્રાયલ રન ઉત્તર પશ્ચિમ રેલવેમાં કરવામાં આવશે, એમ આઈસીએફના ચીફ મેનેજર યુ સુબ્બારાવે જણાવ્યું હતું.