December 20, 2025
ગુજરાત

પતિ પત્ની બંનેએ મૃત્યુ પછી ત્વચા દાન કરી હોય તેવો પ્રથમ કિસ્સો બન્યો

Spread the love

સિવિલ હોસ્પિટલમાં થયું ૨૦૭મું અંગદાન: 1 લીવર અને 2 કિડનીનું દાન મળ્યું

ચાર મહીના પૂર્વે પતિ કીર્તિભાઇ અને દીકરા હર્ષદભાઇએ વિલાસ બેનનું મૃત્યુ થતા તેમની ચામડીનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. હવે કીર્તિભાઇનું અવસાન થતા તેમની દીકરીએ પિતાના પગલે ચાલતા તેમની ચામડીનુ દાન કર્યું

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ વિગતો આપતા જણાવેલ કે શનિવારે સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકોની હોસ્પિટલના ડો. કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસિકપાર્ક સોસાયટીમાં રહેતા ૭૩ વર્ ના પટેલ કીર્તિકુમાર અવસાન પામતા તેમની દીકરી સીમાબેનની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૨૩મું સ્કિન દાન છે તેમ જ દાઝેલા દર્દીઓની સારવારમાં દાનમાં મળેલ ચામડી ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ખૂબ જ સારા પરિણામો મળે છે. ઘરેથી મેળવેલ ૮ મુ સ્કીન દાન છે, એમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતું. સિવિલમાં થયેલ ૨૦૭માં અંગદાનની વિગતો એવી છે કે, અમદાવાદ નારોલના વતની એવા દિનેશભાઇ સાકરીયાના અંગદાનથી ૨ કીડની અને ૧ લીવરનુ દાન મળ્યું. નારોલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપ ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એવા દિનેશભાઇ સાકરીયાને 20મી ઓગસ્ટના માથુ દુખવા તેમ જ ઉલ્ટી થવાની ફરિયાદ સાથે બેભાન થઇ જતા પ્રથમ એલ જી હોસ્પિટલ અને ત્યાર બાદ જમાલપુર વિસ્તારમાં આવેલ છીપા હોસ્પિટલમાં બતાવ્યા બાદ વધુ સારવાર અર્થે વહેલી સવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પરિવારજનો લઇ આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૧મીના ડોક્ટરોએ દિનેશભાઇ સાકરીયાને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા દિનેશભાઇ સાકરીયાના સ્વજનોને તેમની બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પત્ની નીરુબેન તેમ જ બાળકોએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ ઉમેર્યુ હતુ કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૦૭ અંગદાન થયા છે. જેના દ્વારા કુલ ૬૮૧ અંગોનું દાન મળ્યું છે. દિનેશભાઇ સાકરીયા ના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૮૨ લીવર, ૩૭૮ કીડની, ૧૫ સ્વાદુપિંડ, ૬૬ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા, ૧૪૨ ચક્ષુ તથા ૨૨ ચામડીનું દાન મળ્યુ છે.

હમણાં જ સિવિલ હોસ્પિટલ માં ઉજવાયેલા ૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ ના પર્વે રાજ્ય ના આરોગ્ય અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી એ પણ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ચાર વર્ષ થી ચાલતા અંગદાન ના કાર્ય અને ટીમની કાર્યપધ્ધતિ બીજી હોસ્પિટલો માટે એક આદર્શ મોડલ છે તેમ જણાવી દરેક હોસ્પિટલ અને વિભાગ આ પ્રમાણે પોતપોતાના કાર્ય માં કામગીરી અને ગુણવતા ના ધોરણો ઉંચા રાખી કામ કરવા તમામને અપીલ કરી હતી. સ્કીન દાન માટે સીવીલ હોસ્પિટલ, અમદાવાદ સ્કીન બેંક નો ૯૪૨૮૨૬૫૮૭૫ નંબર ઉપર સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!