ડીસા જીઆઈડીસીના ફટકડાનાં ગોડાઉનમાં આગને કારણે વિસ્ફોટ, 7 શ્રમિકનાં મોત
ડીસાઃ ગુજરાતમાં આગ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં સોમવારે કચ્છમાં ભીષણ આગ લાગ્યાના અહેવાલ પછી ડીસા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફટકડાના ગોડાઉનમાં લાગેલી આગને કારણે વિસ્ફોટ થયો હતો, જેને કારણે આગ વધુ ફેલાતા સાત લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે.
ડીસાની જીઆઈડીસીમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફટાકડાની ફેક્ટરી હોવાને કારણે ત્યાં જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પીડિત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ડીસા જીઆઈડીસીમાં આવેલા ફટકાડાના ગોડાઉનમાં આગ લાગ્યા પછી વિસ્ફોટ થયા હતા, ત્યારબાદ આગ અન્ય જગ્યાએ પસરતા આસપાસમાં આગના ધુમાડા જોવા મળ્યા હતા. અચાનક આગ લાગ્યા પછી આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રશાસન દ્વારા બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. જોકે, આગે વિકરાળ સ્વરુપ ધારણ કરવાને કારણે મોટી જાનહાનિ થઈ હતી. આગને નિયંત્રણમાં લાવવા માટે નજીકના સ્થળેથી ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
પ્રાથમિક અહેવાલ અનુસાર પાણી ગરમ કરવાનું બોઈલર ફાટવાને કારણે કદાચ આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે ગોડાઉનમાં કામ કરનારા શ્રમિકો ભોગ બન્યા હતા તથા ઘટનાની જાણ થયા પછી થરાદ, પાલનપુર અને ડીસા નગરપાલિકામાંથી ફાયર ફાયટરના જવાનો પહોંચીને આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા હતા. અહીંના ગોડાઉનમાં 30થી વધુ લોકો કામ કરતા હતા. આગમાં સાત શ્રમિકના મોત તથા પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ બનાવ પછી સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાની તપાસ માટે પહોંચ્યા હતા.