દેશને ખોટ પડીઃ છેલ્લે છેલ્લે રતન ટાટાએ જનતાને આપ્યો હતો શાનદાર મેસેજ કે…
ભારતીય ઉદ્યોગજગતના ભિષ્મપિતામહ સમાન રતન ટાટાનું બુધવારે રાતના નિધનના સમાચાર વાયુવેગે ફેલાયા. 86 વર્ષની જૈફવયે નિધન થયું હોવાના સમાચારને ટાટા સન્સ ગ્રુપે જાહેર કર્યા પછી દેશના દિગ્ગજ નેતાઓની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. રતન ટાટાના નિધન અંગે અગાઉ અનેક વખત સમાચાર વાઈરલ થયા હતા, જેમાં છેલ્લે હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર જોરદાર વાઈરલ થયા હતા. આ વાઈરલ મેસેજ પછી ખુદ રતન ટાટાએ હોસ્પિટલમાંથી જનતાના નામે મેસેજ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
રતન ટાટા ખુદ સોશિયલ મીડિયા પર જોરદાર સક્રિય હતા. ઉદ્યોગજતના ટાઈટન એવા રતન ટાટા પોતાનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવતા અને ઉદ્યોગપતિઓમાં સક્રિય બિઝનેસમેન તરીકે મોખરાનું સ્થાન ધરાવતા હતા. અને છેલ્લે તેમને પોસ્ટ લખી હતી કે હું સ્વસ્થ છું અને મારા અંગે વિચારવા બદલ ધન્યવાદ. રતન ટાટાની પોસ્ટમાં જણાવાયું હતું કે મારા આરોગ્ય અંગેની હાલમાં જ ફેલાવવામાં આવેલી અફવાથી વાકેફ છું અને હાલમાં મારી ઉંમર સંબંધિત વિવિધ ચેકઅપ ચાલુ છે, પરંતુ ચિંતાનું કારણ નથી. જોકે, જાહેર જનતા અને મીડિયાને જણાવવાનું કે ખોટી વાતો ફેલાવશો નહીં.
હકીકતમાં રતન ટાટાનું જીવન એક મેસેજસમાન હતું. તેમની સાદગી, જીવનશૈલી, વિચારસરણી અને સામાજિક જવાબદારી યા ઋણ અદા કરવાની નીતિથી ઉદ્યોગપતિઓ જ નહીં, લાખો લોકો પ્રભાવિત હતા. બોલીવુડના કલાકારો હોય કે પછી કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ રતન ટાટાથી વાકેફ હતા.
1991થી 2012 સુધી સંભાળી હતી કમાન
રતન ટાટા એક ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ દાનવીર અને સાદગીને લઈને દુનિયાના ઉદ્યોગપતિઓમાં જાણીતા હતા. 1937માં જન્મેલા રતન ટાટાની વિદેશ સ્ટડી કર્યા પછી ટાટા સન્સનું સુકાન સંભાળ્યું હતું. તબક્કવાર વિવિધ સ્તરે સફળતા હાંસલ કર્યા પછી ગ્રુપમાં ટોચના દરજ્જે પહોંચ્યા હતા. 1991થી લઈને 2012 સુધી ટાટા ગ્રુપની કમાન સંભાળી હતી. કરોડો-અબજો રુપિયાની સંપત્તિ હતી, પરંતુ તેમની લાઈફ એકદમ સાદગીભરી હતી. હવે દરેક લોકોના મનમાં સવાલ થાય કે પરિવાર કે ગ્રુપમાંથી સુકાન કોને મળી શકે છે. ટાટા ગ્રુપને સફળતાના શિખરો પર લઈ જવામાં રતન ટાટાનું મોટું યોગદાન હતું. ટાટા ગ્રુપનો કારોબાર જેગુઆર લેન્ડ રોવર, એર ઈન્ડિયા, ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા નમક, ટાટા વનએમજી, ટાટા કેપિટલ, ટાટા એઆઈજી, ટાટા એઆઈએ લાઈફ, જારા, ફાસ્ટ્રેક, તનિષ્ક, કલ્ટફિટ, વેસ્ટસાઈડ વગેરે બ્રાન્ડ પણ ધરાવે છે. 2022ના અંદાજ અનુસાર રતન ટાટાની પાસે 3,800 કરોડ રુપિયાની પ્રોપર્ટી હતી. ભાઈના બાળકોમાં ખાસ તો નોએલ ટાટાની સાથે બે દીકરી પણ ઉત્તરાધિકારી માટે દાવેદાર છે.