IT Return ફાઈલ કર્યું કે નહીં, હવે ડેડલાઈન દૂર રહી નથી….
નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે, જ્યારે હજુ પણ જો તમારું ભરવાનું હોય તો વિલંબ કરવો જોઈએ નહીં, જે દરેક રિટર્ન ફાઈલ કરનારાના હિતમાં છે. બાકી સરકાર તારીખ લંબાવી તો પણ નવાઈ નહીં, કારણ કે પોર્ટલ પર પણ ભારણ વધતું જાય છે. આવકવેરા વિભાગના અનુસાર 26 જુલાઈ સુધીમાં પાંચ કરોડ લોકો પોતાનું રિટર્ન ફાઈલ કર્યું છે. પાંચ કરોડનો આંકડો તો એક દિવસ પહેલા પાર કર્યો હતો, જ્યારે ગયા વર્ષે 27 જુલાઈ સુધીમાં પાંચ કરોડનો આંકડો પાર કર્યો હતો.
હાલના તબક્કે આઈટી રિટર્ન ફાઈલ કરનારાને મુશ્કેલીઓ પડી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેની ફરિયાદ કરીને આઈટી વિભાગની ઝાટકણી કાઢી રહ્યા છે. સત્તાવાર રીતે આઈટી વિભાગ દ્વારા પણ આ ફરિયાદોનો પણ ઝડપથી ઉકેલ લાવી શકાય એવી હૈયાધારણ આપી છે, તેથી આઈટી રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈનમાં વધારો કરી શકાય છે.
આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધારે લોકોએ આઈટી રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે. ગયા વર્ષે 31 જુલાઈ સુધીમાં 6.77 કરોડ લોકોએ પોતાનું રિટર્ન ફાઈલ ક્યું હતું. ઈન્કમ ટેક્સ વિભાગે પોતાના એક્સ હેન્ડલ પરથી પણ કરદાતાઓને આઈટી રિટર્ન ફાઈલ કરવાનો અનુરોધ કર્યો છે કે વહેલા રિટર્ન ફાઈલ કરવામાં આવે.
આઈટી વિભાગે રિટર્ન ફાઈલ કરવામાં જો કોઈ મુશ્કેલી આવી રહી હોય તો તમારા પેન કાર્ડ નંબર અને મોબાઈલ નંબર સાથે તમને પડતી મુશ્કેલી લખીને orm@cpc.incometax.gov.in મોકલી શકો છો. આ અંગે અધિકારીઓ તમને પડતી મુશ્કેલીની તપાસ કરીને તુરંત રિસ્પોન્સ કરશે.
સત્તાવાર જણાવાયું હતું કે ઈ-ફાઈલિંગ પોર્ટલ સંબંધિત વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે સરકાર વતીના વિવિધ પોર્ટલ ઈન્ફોસિસ, આઈબીએમ અને હિટાચી સાથે કોન્ટેક્ટમાં છીએ. સીબીડીટીના ચેરમેને પણ કહ્યું છે કે સર્વિસ આપનારી કંપનીઓ સાથે નિરંતર ચર્ચામાં છે અને પોર્ટલ પરથી ઝડપથી રિટર્ન ફાઈલ કરવા માટે સંબંધિત એજન્સીઓ સક્રિય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હાલમાં સરકારને પણ મુશ્કેલીઓ પડી રહી છે, તેથી અધિકારીઓ પણ કહી રહ્યા છે કે જો તારીખ સરકાર લંબાવશે તો અનેક રીતે ફાયદો થઈ શકે છે. સરકારની વાતોમાં પડ્યા વિના તમારે હજુ કંઈ ગુમાવવાનું નથી તમે ગણતરીની મિનિટમાં ફાઈલ કરી શકો છો.