નવરાત્રીનો પાંચમો દિવસઃ આજે સ્કંદમાતાની કૃપા મેળવવા આટલું અચૂક કરી શકો…
આજે નવરાત્રીનો પાંચમો દિવસ. પાંચમા દિવસે સ્કંદમાતાની ભક્તિ કરો, તમારી મનની કામના પૂરી કરશે માતાજી. આજે તમે સફેદ રંગના વસ્ત્રો પહેરી શકો છો. સાતમી ઓક્ટોબરના નવરાત્રીનો પાંચમો દિવસ છે, જ્યારે પાંચમની તિથિના દુર્ગા માતાના સ્કંદસ્વરુપની પૂજા-સ્તુતિ કરવાનું મહાત્મય છે. દુર્ગા માતા માટે શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવતાઓના સેનાપતિ કહેનારા સ્કંદ કુમાર એટલે કાર્તિકેયજી માતા હોવાને કારણે દેવી માતાને સ્કંદમાતા કહેવાય છે.
માતાજીનું સ્વરુપની વાત કરીએ તો સ્કંદ કુમાર કાર્તિકેયને ખોળામાં બેસાડવામાં આવ્યા છે. સ્કંદમાતાની પૂજા-ભક્તિ કરવાથી ભક્તોને સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મા જેમ બાળક પર વહાલ અને કૃપા વરસાવે છે એ જ રીતે સ્કંદમાતાની ભક્તિ કરવાથી ભક્તો પર માતાજીની કૃપા સદાય રહે છે.
માતાજીના રંગરુપની વાત કરીએ તો સંપૂર્ણ સફેદ રંગના છે અને કમળના પુષ્પો પર વિરાજમાન છે, તેથી તેમને પદ્માસના પણ કહેવાય છે. માતાજીના ચાર હાથ છે અને ચાર હાથમાં એક હાથમાં કમળનું ફૂલ, દીકરા સ્કંદને પકડવાની સાથે અભય મુદ્રામાં જોવા મળે છે. સ્કંદમાતા જીવનમાં વ્યક્તિને શીખવે છે કે આપણું જીવન સંગ્રામ છે અને આપણે પોતે એક સેનાપતિ છે. માતાજી આપણને જીવનમાં સૈન્ય સંચાલનની પણ પ્રેરણા આપે છે. નવરાત્રીના પાંચમા દિવસ દરમિયાન સ્કંદ માતાની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
પાંચમો દિવસ સ્કંદ માતાને સમર્પિત છે. દુર્ગાના પાંચમા સ્વરુપ એવા સ્કંદમાતાને સફેદ રંગ સૌથી વધુ પ્રિય છે. આજના દિવસે માતાજીને દૂધ-ચોખાની વાનગી યા દુધપાક બનાવીને પણ ભોગ ધરાવી શકો છો. કેળા અને ખીરનો ભોગ ધરાવવાથી સ્કંદમાતા ભક્તો પર પ્રસન્ન રહે છે, તેનાથી ભક્ત માતાજીના શુભાશીષ મેળવી શકે છે.
આજના દિવસ દરમિયાન માતાજીની પૂજા-પાઠ કર્યા પહેલા સવારે ન્હાઈ ધોઈને પૂજા કરો. શક્ય હોય તો દિવસભર કે પૂજા કરતી વખતે પણ સફેદ વસ્ત્રો પહેરવા. માતાજીની પૂજા યા સ્તુતી કરવા માટે ખાસ કરીને ત્રણ મંત્રનો જાપ પણ કરી શકો છો. સિંહાસનગતા નિત્યં પદ્માગ્ચિત કરદ્વયા, શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની. ઓમ દેવી સ્કંદમાતાયૈ નમઃ અને યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદમાતા રુપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ