ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે મેથીના દાણા, જાણો કઈ રીતે?
ડાયાબિટીસ એક એવી સમસ્યા છે કે જેને તમે તમારા લાઈફસ્ટાઈલ અને ફૂડ પેટર્નમાં ફેરફાર કરીને કન્ટ્રોલ કરી શકાય છે. આ માટે તમારે બહુ જાજુ દૂર જવાની જરૂર નથી. આપણા ભારતીય રસોડામાં મસાલા તરીકે વપરાતી મેથી ખરેખર ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે. ચાલો જોઈએ મેથીના દાણાના સેવનથી હેલ્થને કયા કયા બેનેફિટ થાય છે.
ઘણીવાર લોકો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અનેક નુસખાઓ અપનાવે છે, પરંતુ તેમાંથી સૌથી અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ ઉપાય છે મેથીના દાણા. મેથીમાં રહેલા પોષક તત્વો લોહીમાં શર્કરાના સ્તરને કુદરતી રીતે ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે મેથી ખાવાની પણ એક ચોક્કસ રીત હોય છે? જો ખોટી રીતે સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે.
ડાયાબિટીસમાં કઈ રીતે કામ આવે મેથીના દાણા?
મેથીના દાણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. આ ફાઈબર પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરનું શોષણ ધીમેથી થાય છે. આ પ્રક્રિયાથી લોહીમાં એકાએક શુગર લેવલ વધતું નથી. આ ઉપરાંત, મેથીના દાણા ઈન્સ્યુલિનના ઉત્પાદનમાં પણ મદદરૂપ થાય છે.
આ રીતે કરો મેથીનું સેવન
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મેથીના દાણા અને મેથીનું પાણી બંને ડાયાબિટીસમાં અત્યંત લાભદાયી છે. તેના સેવનની કઈ રીતે કરશો એની માહિતી નીચે આપવામાં આવી છે.
⦁ પલાળેલી મેથી અને પાણી: રાત્રે એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ પાણી પી જવું અને પલાળેલા દાણાને ચાવીને ખાઈ જવા. આ પદ્ધતિ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે.
⦁ આહારમાં સમાવેશ: જો તમને મેથીના દાણા સીધા ખાવા ન ગમે, તો તમે લોટમાં મેથીના દાણાનો પાવડર ભેળવીને તેના પરાઠા કે રોટલી બનાવી શકો છો. આ ઉપરાંત શાક કે દાળમાં વઘાર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
મેથી ખાવાના અન્ય ફાયદા
મેથી ખાવાના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો બ્લડ શુગર કંટ્રોલ કરવા ઉપરાંત મેથી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ મદદ કરે છે. આ સિવાય મેથીના દાણા પાચનતંત્રને મજબૂત બનાવીને કોન્સ્ટિપેશનની સમસ્યા પણ દૂર કરે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. જેમને ડાયાબિટીસ થવાનું જોખમ હોય એવા લોકો માટે મેથીનું સેવન આ બીમારીને રોકવામાં મદદરૂપ થાય છે.
સાવચેતી રાખવી છે જરૂરી
કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન કરવું અંતે તો નુકસાનકારક જ સાબિત થાય છે. જો તમે ડાયાબિટીસની દવાઓ લેતા હોવ, તો મેથીના પ્રયોગ પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર મેથી અને દવા બંને સાથે લેવાથી શુગર લેવલ ખૂબ જ ઘટી જવાની શક્યતા રહેલી છે.
અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાનના આધારે આપવામાં આવી છે. તેના પર અમલ કરતાં પહેલાં ડોકટર અને નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.
