June 30, 2025
ટોપ ન્યુઝબિઝનેસમની મેનેજમેન્ટ

વૈશ્વિક મંદીની દહેશતે દુનિયાના શેરબજાર ડૂબ્યાં, ભારતમાં 10 સેકન્ડમાં 19 લાખ કરોડ ધોવાયાુ

Spread the love

ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં 3,500 પોઈન્ટનો કડાકો, જાણો શેરબજારની નવી અપડેટ?

મુંબઈઃ અમેરિકાની આર્થિક નીતિઓને કારણે વૈશ્વિક સ્ટોકમાર્કેટમાં મોટી ઉથલપાથલ સાથે આજે મુંબઈ શેરબજારમાં ખૂલતા માર્કેટમાં જોરદાર ગાબડા નોંધાયા હતા. બીજી એપ્રિલના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પોલિસી જાહેર કર્યા પછી ભારત પર 26 ટકા ટેરિફ વસૂલવાની જાહેરાત સાથે અન્ય દેશો પણ તોસ્તાન ટેરિફ ઝિંક્યો હતો. અમેરિકન સ્ટોકમાર્કેટમાં મોટા ગાબડા સાથે આજે સોમવારે મુંબઈ સ્ટોકમાર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં ઈન્ટ્રા ડેમાં ધોવાણ થયું હતું. ભારતીય શેરબજાર કોવિડ મહામારી 2020ના મથાળે રહ્યા છે, જ્યારે વૈશ્વિક માર્કેટમાં હોંગકોંગના હેંગસેંગમાં 11 ટકા, ચીનના બ્લુ ચિપ શેરમાં પાંચ ટકાનું ધોવાણ થયું છે.

ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં 4,000 પોઈન્ટનું ગાબડું
સાતમી એપ્રિલના શેરબજારમાં મોટી તબાહી મચી છે, જેની પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પ્રી માર્કેટમાં 4,000 પોઈન્ટનું ગાડબું નોંધાયું હતું, જ્યારે ખૂલતા માર્કેટમાં 3,300 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. સેન્સેક્સમાં કડાકા સાથે 10 સેકન્ડમાં 19 લાખ કરોડનું ધોવામ થયું હતું. 10.17 વાગ્યાના સુમારે સેન્સેક્સ 3,055 પોઈન્ટ તૂટીને 72,308 પોઈન્ટના મથાળે રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 2,000 પોઈન્ટનું ધોવાણ થયું હતું. 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સમાં તમામ શેરમાં ધોવાણ થયું છે, જ્યારે સેન્સેક્સના હેવી જાયન્ટ સ્ટોક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સાત ટકા અને ટાટા મોટર્સમા નવ ટકાનું ગાબડું નોંધાયું હતું.

માર્કેટમાં કડાકાને કારણે રોકાણકારો અસંમજમાં
ભારતીય શેરબજારમાં ભૂકંપ નોંધાયો છે, જેમાં માર્કેટમા ચારેબાજુ વેચવાલીને કારણે રોકાણકારોના 19.45 લાખ કરોડ ડૂબ્યા છે. શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,03,41,043 કરોડ હતું, જે ઈન્ટ્રા ડેમાં ઘટીને 3,83,95,173 કરોડ રહ્યું છે. માર્કેટમાં રોકાણકારોના 19 લાખ કરોડ ધોવાયા છે. માર્કેટમાં ધોવાણ માટે અસલી કારણ શું અને ક્યાં સુધી રોકાણ કરવું કે નહીં એના અસમંજમાં રોકાણકારો છે. આમ છતાં રોકાણકારોએ અત્યારના તબક્કે સમજી વિચારીને આગળ રોકાણ કરવું હિતાવહ રહી શકે છે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અપેક્ષા કરતા વધુ ખરાબ
ફેડરલના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અપેક્ષા કરતા વધારે છે, તેથી મોંઘવારી અને વિકાસ એમ બંને પર અસર પડશે. મોંઘવારીમાં વધારાની અસરને કારણે શેરબજારમાં મોટું ધોવાણ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિ જાહેર કર્યા પછી ચીન અને કેનેડાએ પણ કાઉન્ટર ટેરિફ પોલિસી જાહેર કરી છે. ચીને અમેરિકા પર ટેરિફ વધારીને 34 ટકા કર્યા છે, તેથી ટેરિફ વોરની શંકા વધી ગઈ છે. આ સંજોગોમાં વૈશ્વિક અને ભારતીય રોકાણકારો પણ ચિંતામાં છે. રોકાણકારોને ચિંતા છે કે એની અસર ગ્લોબલ ગ્રોથ પર પડી શકે છે.

દુનિયાના શેરબજારમાં ધોવાણ, કરન્સી માર્કેટમ પણ તૂટ્યાં
વૈશ્વિક શેરબજારની ભારતીય સ્ટોકમાર્કેટ પર ગંભીર અસર પડી છે. દુનિયાના શેરબજારની વાત કરીએ તો હેંગસેંગ 11 ટકા, તાઈવાનના તાઈ ઈન્ડેક્સ 9.7 ટકા, જાપાનના નિક્કી 6.5 ટકા, ચાઈનાનો સીએસઆઈમાં 5.2 ટકા, દક્ષિણ કોરિયન ઈન્ડેક્સ ચાર ટકા, ઓસ્ટ્રેલિયાના એસએન્ડપી ઈન્ડેક્સ 3.7 ટકાનું ધોવાણ થયું હતું. અમેરિકાના માર્કેટમાં ધોવાણ થવાથી પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ છે. ટેરિફની જાહેરાત પછી અમેરિકન કરન્સી ડોલર પણ નબળો પડ્યો છે. ડોલર ઈન્ડેક્સ 0.4 ટકા ઘટીને 102 પર રહ્યો છે, જ્યારે ડોલર યેનની તુલનાએ 1.3 ટકા ઘટ્યો છે, જે છ મહિનાના તળિયે રહ્યો છે. અમેરિકામાં મંદીના ડરથી ક્રૂડ ઓઈલમાં ઘટાડો થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 3.16 ટકા ઘટીને બેરલદીઠ 63.51 ડોલરના મથાળે રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!