મોતનો ઘાટઃ અંબાજીમાં લકઝરી બસનો ભીષણ અકસ્માત, ચારનાં મોત
પાલનપુરઃ નવરાત્રીના તહેવારમાં અંબાજીમાં ભીષણ અકસ્માતના સમાચાર મળી રહ્યા છે, જેમાં લકઝરી બસના અકસ્માતમાં ચાર જણના મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલી લકઝરી બસ ઊંધી વળતા બસમાં મુસાફરી કરનારા ભક્તો ગંભીર રીતે ઘવાયા હતા. બસમાં મુસાફરી કરનારા ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 25 લોકોને ઈજા પહોંચી હતી.
ટર્નિંગમાં કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો
અંબાજીના દાતામાં ત્રિશુળિયા ઘાટ નજીક માતાજીના દર્શન કરીને પાછા ફરી રહેલી એક લકઝરી બસને અકસ્માત સર્જાયો હતો, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. બસચાલકે અચાનક ટર્ન પર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જયો હતો. લકઝરીના ચાલકે વોલને ટક્કર મારી હતી, પરંતુ જો આગળ નીકળ્યો હોત તો ખીણમાં પડી હોત. આ અકસ્માતમાં મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ બનાવ પછી અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પાલનપુરની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડ્યા
પ્રાથમિક માહિતી અનુસાર બસચાલકે નશો કર્યો હોવાથી આ અકસ્માત સર્જયો હોવાનું જાણવા મળ્યું છે. બસચાલકે રેલિંગને ટકરાતા તૂટી હતી તેમ જ પલટી ખાધી હતી. આ અગાઉ પણ હિંમતનગરમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના ખેડા જિલ્લાના રહેવાસી
ખેડાના કઠલાલ તાલુકાના લોકો અંબાજીમાં માતાજીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. સૌથી મોટી રાહતની વાત એ છે કે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, પરંતુ જો એ ન હોત તો મોટી જાનહાનિ થઈ હોત. હાલમાં મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.અકસ્માતનો કેસ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ અકસ્માત માટે સેન્સિટિવ ઝોન
ત્રિશુળિયા ઘાટ પર આ પ્રકારના અકસ્માતો વારંવાર બને છે, જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. 2019માં પણ ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા. ત્રિશુળિયા ઘાટમાં બાઈકચાલકને બચાવવા જતી વખતે જીપ ઊંધી વળી ગઈ હતી, જેમાં આઠ મહિલા સહિત નવ પ્રવાસીના મોત થયા હતા.