સાવધાનઃ ડીસામાં ₹ 39 લાખની બનાવટી નોટ ઝડપાઈ, સુરતમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ
બનાસકાંઠા LCBએ ડીસાના ખેતરમાંથી નકલી નોટ છાપતી ફેક્ટરી પકડી પાડી, બે આરોપીની ધરપકડ; સુરતમાં એન્જિનિયર નકલી વિઝા બનાવતો ઝડપાયો
ડીસા-સુરતઃ ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં બનાવટી નોટ છાપનારા ઝડપાયા હતા, જ્યારે સુરતમાં બનાવટી વિઝા રેકેટનો પર્દાફાશ કરવામાં આવતા પોલીસ સાથે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં જાણે નકલી પોલીસ સ્ટેશન, કોર્ટથી લઈને હવે ધીમે ધીમે નકલી ચલણી નોટથી લઈને વિઝા કૌભાંડને કારણે પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ ગઠિયાએ કરી રાખી છે. ગઈકાલે પોલીસે ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં મોટી કાર્યવાહી કરતા બનાવટી નોટ છાપનારી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 39 લાખ રુપિયાની બનાવટી નોટ જપ્ત કરી હતી. આ ઉપરાંત, તેમની પાસેથી બનાવટી નોટ છાપવાની સામગ્રી પણ જપ્ત કરી હતી. બે જણની ધરપકડ સાથે અન્ય મુખ્ય આરોપીની શોધમાં પોલીસ હોવાનું જણાવ્યું હતું.
બનાવટી નોટ છાપવાની જગ્યાએથી 500 રુપિયાની બનાવટી નોટ પણ જપ્ત કરવામાં આવી છે, જેનું મૂલ્ય આશરે 39 લાખ રુપિયાનું છે. બનાસકાંઠાના વરિષ્ઠ પોલીસે કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચની કામગીરીમાં બે જણની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી ફરાર છે. હાલના તબક્કે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે કેટલા વર્ષોથી આ ફેક્ટરી ચલાવતા હતા તથા તેના પાછળ કોનો હાથ હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામમાં રાયમલસિંહ પરમારના ખેતરમાં બનાવેલી જગ્યા પર છાપો મારવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેમની પાસેથી 39 લાખથી વધુની બનાવટી નોટ જપ્ત કરી છે. ઉપરાંત, એ સ્થળેથી પાંચ પ્રિન્ટર, નકલી નોટ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે. જોકે, આ ઘર રાયમલસિંહ પરમારનું છે, જે ફરાર છે. જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે. આ બંને આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે.
રાયમલસિંહના નામે બળજબરીપૂર્વક વસૂલી અને છેતરપિંડીના નામે 16 કેસ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે સંજય સોની આ બનાવટી ફેક્ટરીનો માસ્ટરમાઈન્ડ છે. પોલીસે આરોપીઓની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં નોટ છાપવાની વાતને સ્વીકારી હતી, પરંતુ આ કારસ્તાન ક્યારથી કરે છે તથા સમગ્ર નેટવર્ક ક્યારથી ચલાવે છે અને કોણ સંકળાયેલા છે એના અંગે તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સુરતમાંથી બનાવટી વિઝા રેકેટનો પર્દાફાશ
આ અગાઉ સુરતમાં બનાવટી વિઝા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે મુખ્ય આરોપી પ્રતીક શાહ પાસેથી પોલીસે યુકે અને કેનેડા સહિત અન્ય દેશના નકલી વિઝા, હાઈ ટેક પ્રિન્ટર અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. પોલીસ અન્ય લોકોની શોધ ચલાવી છે, જ્યારે આરોપી પ્રતીક શાહે એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ ઊંધા ધંધા કરીને પોતાની કારકિર્દી પર પાણી ફેરવ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. રાજ્યમાં બનાવટીનો ધંધાનો જાણે રાફડો ફાટ્યો છે, જે મુદ્દે પ્રશાસન સાથે જનતાએ પણ સાવધાન રહેવાનું જરુરી છે નહીં તો લોકો વધુ ને વધુ લૂંટાતા જશે એટલું નક્કી છે.
