ધુતારા ભૂખે મરે નહીંઃ ગાંધીનગરમાં ‘બનાવટી કોર્ટ’નો પર્દાફાશ, પોલીસે ‘જજ’ને પકડ્યો
ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. આ કહેવતને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક શખસે 100 ટકા પુરવાર કરી છે. પાટનગરમાં એક બનાવટી કોર્ટની ચોંકાવનારી હકીકતમાં જાણવા મળી. અત્યાર સુધીમાં દેશમાં બનાવટી ચલણી નોટના કારખાનાથી લઈને અનેક પ્રકારના અજાણ્યા બનાવો બન્યા હશે, પરંતુ તાજેતરમાં એક બનાવટી કોર્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસને કારણે ન્યાય પ્રશાસન જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસે એક શખસની ધરપકડ કરી છે, જે કથિત રીતે ગાંધીનગરમાં પોતાની ઓફિસમાં બનાવટી કોર્ટ ઊભી કરી હતી.
જજના માફક આદેશ બહાર પાડતો ગઠિયો
વાત અહીંથી પૂરી થઈ નથી, પરંતુ 2019થી ચલાવાતી કોર્ટમાં ન્યાયાધીશના માફક આદેશ પસાર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર આરોપીનું નામ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન (Morris Samuel Christian) છે. 2019માં સરકારી જમીન સંબંધિત કેસમાં પોતાના ક્લાયન્ટ્સના પક્ષમાં આદેશ આપ્યો હતો. આ કોર્ટ ઓછામાં ઓછી પાંચ વર્ષથી ચાલે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોરિસ સેમ્યુઅલ એવા લોકોને ફસાવતો હતો, જે જમીન વિવાદ સંબંધમાં શહેરની સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હતા. આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પોતાના ક્લાયન્ટસ પાસેથી આ શખસ કેસના ઉકેલ માટે ફી તરીકે અમુક રકમ લેતો હતો.
પોતાના દોસ્ત-સાથીદારોની મદદ લીધી
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે તે પોતાના મિત્રો-સંબંધીઓને કર્મચારી અને વકીલના માફક રજૂ કરતો, જેથી કોર્ટની કામગીરી જેવું લાગે. કોર્ટમાં ચાલતી કામગીરીનું નિરુપણ કરતો, જેથી તેનાથી પ્રભાવિત થયેલા રહેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મોરિસ સેમ્યુઅલ પહેલા કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થી તરીકે પોતાને સ્થાપિત કરતો હતો. પોતાના ક્લાયન્ટ્સને ગાંધીનગર સ્થિત કચેરીમાં લઈ આવતો હતો, જેને કોર્ટના માફક બનાવી હતી. તે પોતે જજની ખુરશીમાં બેસીને ક્લાયન્ટ્સના પક્ષમાં પોતાની મનપસંદ ચુકાદા આપતો હતો.
મણીનગરમાં આરોપીના નામે કેસ નોંધાયેલો
આ કેસમાં આરોપી (Morris Samuel Christian)ની સામે કારંજ પોલીસ સ્ટેશનમાં સામે આઈપીસી સેક્શન 170, 419 અન્વયે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે આ જ આરોપી સામે અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં 2015માં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
0-0-0-0-0-0