February 14, 2026
ટોપ ન્યુઝમુંબઈ

અટલ સેતુ પરથી કૂદીને એન્જિનિયરે ભર્યું અંતિમ પગલું, વીડિયો થયો વાઈરલ

Spread the love

મુંબઈ: દક્ષિણ મુંબઈને નવી મુંબઈથી જોડનારા અટલ સેતુ પરથી કૂદીને એક 38 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ પહેલાં આ જ વર્ષે માર્ચ મહિનામાં એક ડોકટરે આ બ્રીજ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે બુધવારે 24મી જુલાઈના બપોરે 12 12.30 વાગ્યાની આસપાસમાં આ ઘટના બની હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મૃતકની ઓળખ કરૂતુરી શ્રીનિવાસ (38) તરીકે કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમટીએચએલની રેસ્ક્યુ ટીમ અને સાગરી સુરક્ષા પોલીસ દ્વારા કરુતુરીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમના હાથમાં કંઈ જ આવ્યું નહોતું. કરુતુરીએ આર્થિક ભીંસથી કંટાળીને આ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

દરમિયાન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કરુતુરી ડોમ્બિવલી ખાતે આવેલી પલાવા સિટીમાં પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે રહેતા હતા. બુધવારે બપોરે 12.15 વાગ્યાની આસપાસમાં કરુતુરીએ અટલ સેતુ પર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પોતાની કાર ઊભી કરીને બ્રીજ પરથી સમુદ્રમાં ઝંપલાવી દીધું હતું. આ બ્રિજ પર આવેલા ટોલ કન્ટ્રોલ રૂમ દ્વારા આ બાબતની માહિતી ન્હાવા શેવા પોલીસને આપી હતી. પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતકની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ માહિતી મળી નહોતી.

કરુતુરીએ પોતાની કારમાં માત્ર એક વોલેટ જ રાખ્યું હતું જેમાં એક આધાર કાર્ડ અને તેમની ઓફિસનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. પોલીસને કારમાંથી કોઈ સુસાઈડ નોટ કે ફોન નહોતો મળ્યો. કરુતુરીએ બી. ટેક. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તે થોડાક વર્ષો પહેલાં કુવૈતમાં જોબ કરતો હતો, એવું પણ પોલીસે વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે માર્ચ મહિનામાં અટલ સેતુ પરથી કૂદીને એક મહિલા ડોકટરે પણ આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!