120 દિવસમાં જ પૂરો થશે ટ્રમ્પના શાસનમાં ઈલોન મસ્કનો કાર્યકાળ?
ટેસ્લાના માલિક અને ટ્રમ્પ સરકારમાં વિશેષ હોદ્દો-સ્થાન ધરાવતા ઈલોન મસ્કની ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરવા માટે સ્પેશિયલ ગવર્મેન્ટ એમ્પ્લોયી (SGE) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂકની મુદ્દત સામાન્યપણે 365 દિવસમાંથી 130 દિવસ સુધીની હોય છે.
જોકે, આ પ્રતિબંધ છતાં પણ વ્હાઇટ હાઉસના અધિકારીઓ દ્વારા મસ્કના કાર્યકાળની કોઈ સ્પષ્ટ અંતિમ તારીખ જાહેર કરવામાં નથી આવી. મસ્કની નિમણૂક ફેડરલ સરકારમાં મોટા પાયે છટણી, આક્રમક ખર્ચ ઘટાડવાના પગલાં અને વ્હાઇટ હાઉસના આંતરિક તણાવ દૂર કરવા માટે કરવામાં આવી છે અને તમારી જાણ માટે કે ટ્રમ્પ સરકારમાં ઈલોન મસ્કની જવાબદારી પહેલાંથી જ વિવાદોમાં રહી છે.
ડોજનું નેતૃત્વ કરવાની જવાબદારી સંભાળતા મસ્કે મોટા પાયે બજેટ કાપ અને છટણી સહિત વ્યાપક સુધારા હાથ ધર્યા છે. જોકે, સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયી પર લાદવામાં આવેલી 130 દિવસની કાર્યકાળ મુદ્દત પૂર્ણ થયા બાદ મસ્ક પદ છોડશે કે નહીં તેની અટકળો જોર પકડી રહી છે.
વાત કરીએ અમેરિકામાં કોંગ્રેસ દ્વારા 1962માં બનાવવામાં આવેલા આ નિયમની તો સ્પેશિયલ ગવર્મેન્ટ એમ્પ્લોયીનો હોદ્દો, સમય મર્યાદા પહેલાંથી જ નક્કી કરવામાં આવી છે. આ હોદ્દા પર નિમણૂક પામેલા અધિકારી 365 દિવસમાંથી મહત્તમ 130 દિવસ જ એક્ઝિક્યુટીવ શાખામાં કામ કરી શકે છે.
જોકે, આ નિયમ પહેલાંથી જ અમલમાં હોવા છતાં પણ વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હેરિસન ફિલ્ડ્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મસ્કનો કાર્યકાળ જરૂરિયાત પ્રમાણે 130 દિવસ પૂરતો જ મર્યાદિત નહીં રહે. રાષ્ટ્રપ્રમુખે ઈલોન મસ્કને ફેડરલ સરકારનો કચરો, છેતરપિંડી અને દુરુપયોગને ઘડાટવાની જવાબદારી સોંપી છે અને જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી તે પદ પર રહેશે.
વાત કરીએ વ્હાઈટ હાઉસના નિયમોની તો મસ્કનો કાર્યકાળ 20મી મેના રોજ પૂર્ણ થાય છે, પણ ટ્રમ્પ પ્રશાસન મસ્કનો આ કાર્યકાળ લંબાવવા અંગે વિચાર કરી શકે છે. બીજી બાજું ડોજમાં મસ્કના વલણે અન્ય અધિકારીઓમાં ખળભળાટ મચાવ્યો છે. તે વરિષ્ઠ કર્મચારીઓ સાથે અગાઉથી વિચારણા કર્યા વિના જ તાત્કાલિક નિર્ણયો જાહેર કરી રહ્યા છે. જેને કારણે ફેડરલ ઓફિશિયલ્સ પર જોખમ તોળાઈ રહ્યું છે.
