ગુજરાતમાં ગાંજો, ચરસ, અફીણ જેવા નશીલા પદાર્થોનું સેવન બંધ કરજો નહીં તો…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સૌથી ટૂંકા સત્રનું શુક્રવારે સમાપન થયું. આ ત્રણ દિવસના સત્રમાં સૌથી મહત્વના બિલમાં અંધશ્રદ્ધા વિરોધી વિધેયકને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે સરકારે રાજ્યમાં નસેડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, ગુજરાતમાં ગાંજો, ચરસ, અફીણ સહિત નશીલા પદાર્થોનું સેવન કરનારા સુધરી જજો નહીં તો સરકાર વધુ કડક પગલા ભરશે એટલું જ નહીં, તેમની ઘર-સંપત્તિ પર જપ્તિ ચલાવી શકે છે. છેલ્લા એક વર્ષમાં ગૃહ વિભાગ દ્વારા 5,600 કરોડથી વધુ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાતના કચ્છ, વલસાડ, નવસારી, અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાંથી છેલ્લા 15 દિવસમાં 850 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરાયા છે. આ સત્યને ધ્યાનમાં રાખી વિધાનસભામાં નશાખોરી અટકાવવાના પગલાં અંગે ચર્ચા હાથ ધરવામાં આવી. વિપક્ષ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આક્ષેપોનો જોરદાર પ્રતિકાર કર્યો.
એનડીપીએસ કાયદા હેઠળ 317 ગુના
સરકારે જણાવ્યું હતું કે સરકાર ડ્રગ્સની બદીને ઉખાડી ફેંકવામાં કટિબદ્ધ છે અને તેઓ વિપક્ષના કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે. રાજ્યમાં ગાંજો, ચરસ, અફીણ, અને હેરોઇન જેવા નશીલા પદાર્થોના સેવનને દૂર કરવા સરકારની કામગીરી જારી છે. સરકારના અહેવાલમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે એનડીપીએસ કાયદા હેઠળ 317 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 431 આરોપીઓ પકડવામાં આવ્યા છે, તેમજ 5640 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
દરિયાઈ વિસ્તારોમાંથી 892 કરોડનું ડ્રગ્સ જપ્ત
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસે દરિયાઇ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ દ્વારા 892 કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા છે. 2024માં એ.ટી.એસ. દ્વારા દરિયાકાંઠામાં 61 કિલો ગ્રામના 427 કરોડના ડ્રગ્સ પણ પકડાયા છે.
નસેડીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે
એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પકડાયેલા આરોપીઓ ફરીથી નશાખોરીમાં જોડાઈ ન જાય તે માટે એમની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવામાં આવશે. ‘મેન્ટોર પ્રોજેક્ટ’ અંતર્ગત જેલમાંથી છૂટેલા આરોપીઓની સખત દેખરેખ રાખવામાં આવશે. આમ, ગુજરાત સરકાર રાજ્યમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા માટે જીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે, અને વિધાનસભામાં આ મુદ્દે શાસક પક્ષ તથા વિપક્ષ વચ્ચેની જોરદાર ટક્કર આ નીતિની કડકાઈને ઉજાગર કરે છે.
છેલ્લા દિવસે વિપક્ષે સરકારને સાણસામાં લીધી
ચોમાસા સત્રના અંતિમ દિવસે ડ્રગ્સના મુદ્દે વિધાનસભામાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. વિપક્ષ કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરવા માટે કોઈ કસર રાખી નહોતી અને વિધાનસભાના ફલોર પર શાબ્દિક રમખાણનું માહોલ સર્જાયો. આ ગરમાગરમી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વિધાનસભા અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢવા આદેશ આપતા વાતાવરણ વધુ ગરમાયું હતું.