Election Results: મહિલાઓનું સંસદમાં વર્ચસ્વ ઘટ્યું, જાણો કઈ રીતે?
હેમા માલિની, મહુઆ મોઈત્રા, સુપ્રિયા સુળેનો દબદબો યથાવત
નવી દિલ્હીઃ 18મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે, જેમાં સરકાર બનાવવાની કવાયત હાથ ધરી છે. આ વખતની ચૂંટણીના પરિણામોમાં 2019ની ચૂંટણીની તુલનામાં મહિલા સાંસદની સંખ્યા ઘટી છે. અગાઉની ચૂંટણીની તુલનામાં મહિલાઓની સંખ્યા ઘટી છે, જે આશ્ચર્યજનક બાબત છે. મહિલા સશક્તિકરણ અને અનામતની વાત કરવામાં આવે છે, પરંતુ મહિલાઓનું ચૂંટાવવાનું ઓછું થવું એ બાબત નિરાશાજનક કહી શકાય. આ વખતે 74 મહિલા ચૂંટાઈ આવી છે, જ્યારે 17મી લોકસભાની ચૂંટણીમાં 78 હતી. એનાથી આગળની વાત કરીએ તો 2014ની લોકસભાની ચૂંટણીમાં એની સંખ્યા 64 હતી.
લોકસભાની ચૂંટણીમાં આ વખતે 74 મહિલાને ચૂંટવામાં આવી છે, જેમાં પશ્ચિમ બંગાળની સૌથી મહિલા સાંસદ બની છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં કૂલ 797 મહિલા મેદાનમાં હતી. આ વર્ષે જ સંસદમાં મહિલા અનામતનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ 69 અને કોંગ્રેસ 41 મહિલાને ટિકિટ આપી હતી. મહિલા અનામતના ખરડા પ્રમાણે મહિલાઓને લોકસભા અને રાજ્યસભામાં એક તૃતિયાંશ સીટ અનામત આપવાની જોગાઈ છે, પરંતુ આ કાયદો અમલી બન્યો નથી.
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર આ વખતે ભાજપની 30 મહિલા ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીતી છે, કોંગ્રેસની 14, તૃણમુલ કોંગ્રેસની 11, સમાજવાદી પાર્ટીની ચાર, અન્ના દ્રમુકની ત્રણ અને જનતા દળ અને લોકજન શક્તિ પાર્ટી (લોજપા-આર)ની બે-બે મહિલા ઉમેદવારની જીતી હતી. 17મી લોકસભામાં મહિલા સાંસદની સંખ્યા સૌથી વધારે 78 હતી, જે કૂલ સંખ્યાના 14 ટકા હતી. 16મી લોકસભામાં 64, જ્યારે પંદરમી લોકસભામાં એની સંખ્યા બાવન હતી.
ભારતીય જનતા પાર્ટીમાંથી હેમા માલિની, તૃણમુલ કોંગ્રેસની મહુઆ મોઈત્રા, શરદ પવાર જૂથ (એનસીપી)ની સુપ્રિયા સુળે અને સમાજવાદી પાર્ટીની ડિમ્પલ યાદવે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે, જ્યારે કંગના રનૌત, મીસા ભારતીની જીતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ ઉપરાંત, પચીસ વર્ષની બે યુવા મહિલા સાંસદ ચર્ચામાં છે, જેમાંથી મછલીશહરની ઉમેદવાર પ્રિયા સરોજ અને બિહારમાંથી શાંભવી ચૌધરી છે. બિહારના સમસ્તીપુરની બેઠક પરથી શાંભવીએ કોંગ્રેસના ઉમેદવારને 1.87 લાખથી વોટથી હરાવ્યા હતા. અન્ય 25 વર્ષની સંજના જાટવે પણ રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા તેમ જ કૈરાના સીટ પરથી 29 વર્ષની ઈકરા ચૌધરીએ જીત મેળવીને સૌથી યુવા સાંસદની યાદીમાં સ્થાન મેળવ્યું છે. મોદીની આગેવાનીમાં નવી સરકાર ગઠન થશે, પરંતુ મહિલાઓનું રાજ સંસદમાં ઘટયું છે એ સર્વવિદિત છે.