Maharashtra Election: ચૂંટણી પંચ મહારાષ્ટ્રની મુલાકાતે, ટૂંક સમયમાં જાહેર કરશે ઈલેક્શનની તારીખ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરી શકાય છે. મુખ્ય ચૂંટણી પંચ કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ભારતીય ઈલેક્શન કમિશનની એક ટીમ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે બે દિવસની મુલાકાતે પહોંચી છે. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની સાથે સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ગુરુવારે મોડી રાતે પહોંચ્યા હતા.
વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરના પૂરો થશે
આજે અને શનિવારે એમ બે દિવસ પંચના અધિકારીઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ એજન્સી, કેન્દ્રીય અર્ધસૈનિક દળના નોડલ અધિકારીઓ, મુખ્ય ચૂંટણી અધિકારી, રાજ્યના ચીફ સેક્રેટરી, ડીજીપી, સેક્રેટરી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની મુલાકાત પણ કરશે. દરમિયાન ચૂંટણી પંચ જિલ્લા અધિકારી અને પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરશે. એક અહેવાલમાં જણાવ્યું છે કે બે દિવસના અંતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રની 288 વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પૂરો થશે.
તો બે તબક્કામાં વિધાનસભાની થઈ શકે ચૂંટણી
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા અઠવાડિયામાં થવાની શક્યતા છે. સત્તાધારી પક્ષોની સાથે સીટ વહેંચણી મુદ્દે આઠથી દસ દિવસમાં ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. શિંદેએ પોતાના સત્તાવાર વર્ષા બંગલો ખાતે અનૌપચારિક ચર્ચામાં કહ્યું હતું કે 288 વિધાનસભ્યની બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.
મહાવિકાસ આઘાડી પણ આઠેક દિવસમાં લેશે નિર્ણય
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની મહાયુતિમાં એકનાથ શિંદે શિવેસના અને એનસીપી વચ્ચે સીટ શેરિંગની પ્રક્રિયા આઠેક દિવસમાં પાર પાડવાની સાથે મહા વિકાસ આઘાડી એટલે કોંગ્રેસ, ઠાકરે સેના અને શરદ પવારની એનપીસી પણ અઠવાડિયામાં નિર્ણય લઈ શકે છે.
