Election Commission: આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર નહીં કરતા તૂટશે આ પરંપરા?
જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખની રાહ જોવામાં આવી રહી છે. છેલ્લે બે વખત મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવતી હતી, પરંતુ આજે આ પરંપરા તૂટી શકે છે. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે ત્રણ વાગ્યે કોન્ફરન્સ યોજશે. છેલ્લે મહારાષ્ટ્ર અને હરિયાણામાં 2019 અને 2014માં યોજવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની પૂરી થનારી ટર્મ ત્રણ નવેમ્બર છે, જ્યારે હરિયાણાની 26 નવેમ્બરની છે. એવું પણ કહેવાય છે કે આજે જમ્મુ કાશ્મીરની તારીખ જાહેર કર્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની જાહેર કરી શકે છે.
મહારાષ્ટ્રમાં મતદારોને રિઝવવાના સરકારના પ્રયાસ
કાશ્મીરમાં ચૂંટણી યોજવાના વિલંબ વચ્ચે ફાયદો અત્યારે મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ આજે ચૂંટણીની તારીખ જાહેર કરાશે નહીં. એટલું જ નહીં, દિવાળી પછી ચૂંટણી થાય ત્યાં સુધી સરકારી વિવિધ યોજના અન્વયે લોકોને આવરી લેવાની યોજના છે. અત્યારે મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન, લાડકા ભાઉ સહિત ખેડૂતો માટે વિવિધ નાણાકીય સહાયની યોજના જાહેર કરે છે, તેથી આ યોજનાનો મહત્તમ લોકો સુધી લાભ પહોંચે તો તેના મારફત સત્તાધારી સરકાર મતદારોને પણ રિઝવવામાં સફળ રહે એવો પણ વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પંચે સમીક્ષા કરી પણ પડકાર
આ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીર વિધાનસભાની સાથે સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીક પણ જાહેરાત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 30 સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન આપી હતી, તેથી ચૂંટણી પંચના અધિકારીઓ પણ નિરંતર જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈને એની સમીક્ષા પણ કરી ચૂક્યા છે. ચૂંટણી પંચ વતીથી મહત્ત્વની તમામ કામગીરી પાર પાડવામાં આવી છે, પરંતુ ઘૂસણખોરી અને આતંકવાદીઓની સક્રિયતાનો મુદ્દો પડકાર બની શકે.
370 હટાવ્યા પછી યોજાશે ચૂંટણી
હવે પાંચ વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. કલમ 370 હટાવ્યા પછી નિરંતર માગ કરવામાં આવતી હતી કે જમ્મુ કાશ્મીરની ખાઈમાં ઈલેક્શન યોજવામાં આવે. હવે ચૂંટણી યોજવામાં વિલંબ કરતા આ બાબત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટની ટકોર પછી આખરે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. હવે જમ્મુ કાશ્મીરની ડિલિમિટેશન પ્રક્રિયાને પૂરી કરવામાં આવી છે, તેથી વિધાનસભાની ચૂંટણી યોજવાનું ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
કાશ્મીરમાં 90 બેઠક પર થશે ઈલેક્શન
જમ્મુ કાશ્મીરમાં હવે કૂલ 114 સીટ છે, જેમાં 24 સીટ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. 24 સીટને બાદ કરવામાં આવે તો 90 વિધાનસભાની ચૂંટણી રહે છે. આ અગાઉ એની સંખ્યા 83 હતી, પરંતુ તેની સંખ્યા સાત વધારી છે. જમ્મુ પ્રદેશમાં છ સીટ અને કાશ્મીરમાં એક સીટ વધારી છે.જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટ રહેશે.
હરિયાણાની શું પરિસ્થિતિ છે
હરિયાણાની વાત કરીએ તો કાશ્મીરના માફક હરિયાણામાં પણ 90 વિધાનસભાની બેઠક છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 41 વિધાનસભ્ય છે, જ્યારે કોંગ્રેસના 29 અને જેજેપીને 10 બેઠક મળી હતી. અન્ય પક્ષમાં આઈએનએલડી અને એચએલપીને એક-એક બેઠક મળી હતી. એના સિવાય પાંચ અપક્ષના વિધાનસભ્ય છે. અગાઉની ચૂંટણીમાં ભાજપ અને જેજેપી સાથે મળીને સરકાર બનાવી હતી. ભાજપને પોતાના દમ પર સરકાર બનાવવાની તક મળી નહોતી. છેલ્લા 10 વર્ષમાં ભાજપનું રાજ રહ્યું છે, પરંતુ ટક્કર મજબૂત રહી છે.