Election: મહાવિકાસ આઘાડીમાં 28 સીટ પર કોકડું ગૂંચવાયું, જાણો કઈ બેઠક છે?
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહારાષ્ટ્રના બંને મહાગઠબંધનમાં સીટ શેરિંગ મુદ્દે ખેંચાખેંચી ચાલી રહી છે. 20મી નવેમ્બરે ચૂંટણીની તારીખ અને 23મીના પરિણામ જાહેર કરવામાં આવ્યા પછી ચૂંટણી પંચે પોતાની તૈયારીઓ શરુ કરી છે, પરંતુ રાજ્યના મહાગઠબંધનમાં સીટ ફાળવણીના પેચ અટકેલા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની તત્કાલીન એમવીએ સરકારમાં કોંગ્રેસ અને એનસીપીમાં સીટ શેરિંગ મુદ્દે 260 સીટ મુદ્દે સહમતિ સાધવામાં આવી છે, પરંતુ બાકી સીટ પર કોઈ પાર્ટી જતું કરવા તૈયાર નથી. એની વચ્ચે આર્થિક પાટનગર અને શિવસેનાના ગઢ ગણાતા બાંદ્રામાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.
રાઉતે સ્વીકાર્યું હજુ અમુક સીટમાં સહમત નહીં
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમુક સીટ માટે હજુ ચર્ચા-વિચારણા ચાલી રહી છે, પરંતુ હજુ નિર્ણય લેવાનો બાકી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકમાંથી 260 સીટ પર સહમતી સાધવામાં આવી છે, પરંતુ 28 સીટ પર ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ યાદી મોકલવામાં આવી છે, જેમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને મતભેદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. મહા વિકાસ આઘાડી આગામી બે દિવસમાં સીટ ફાળવણીની ફાઈનલ યાદી જાહેર કરી શકે છે.
260 સીટ પર સહમતી સાધવામાં આવી
મહા વિકાસ આઘાડીના પક્ષોની ગઈકાલે રાત સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રને લઈ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 260 બેઠક પર પર ત્રણેય પાર્ટીના નેતાઓની વચ્ચે સહમતી સાધવામાં આવી હતી, પરંતુ હજુ 28 સીટ પરનું કોકડું ગૂંચવાયેલું છે.
મુંબઈમાં કોલાબા-વર્સોવાની સીટ પર ખેંચાખેંચી
મહાવિકાસ આઘાડીમાં બાકી 20થી 25 સીટમાં ત્રણેય પાર્ટી પોત પોતાની રીતે જોર લગાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, શિવસેના, શરદ પવાર એનસીપીના પેચ ફસાયેલા છે, જેમાં મુંબઈમાં ખાસ કરીને કોલાબા, વર્સોવા સહિત દક્ષિણ નાગપુર, શ્રીગોંદા, પરોલા, હિંગોલી, મૃગતૃષ્ણા, શિરડી, રામટેક, સિંદખેડના રાજા, દર્યાપુર, ગોરે, ઉદગીરનો સમાવેશ થાય છે.