Assembly Election: અજિત પવારની એનસીપીએ ઝિશાન સિદ્દીકીને આપી ટિકિટ, બીજી યાદી જાહેર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ પોતાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં સાત ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં બાંદ્રા પૂર્વથી બાબા સિદ્દીકીના દીકરા ઝિશાન સિદ્દીકીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે.
બાબા સિદ્દીકીના દીકરાને બાંદ્રા પૂર્વથી ઉમેદવાર જાહેર
અજિત પવારની એનસીપીએ બાબા સિદ્દીકીના દીકરા ઝિશાન સિદ્દીકીને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. એનસીપીએ ઈસ્લામપુરથી નિશિકાંત પાટીલ, અણુ શક્તિનગરથી સના મલિકને ઉમેદવાર જાહેર કર્યા છે. સના મલિક એનસીપીના બળવાખોર નેતા નવાબ મલિકની દીકરી છે. એનસીપીની યાદીમાં સહયોગી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે પૂર્વ સાંસદના નામ પણ છે.
સંજય કાકા પાટીલની ટક્કર રોહિત પવાર સામે રહેશે
નાંદેડ લોકસભાની ચૂંટણી હારી ગયેલા પૂર્વ ભાજપના સાંસદ પ્રતાપ ચિખલીકરને લોહા વિધાનસભાની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના પૂર્વ સાંસદ સંજય કાકા પાટીલને પણ રાષ્ટ્રવાદીએ ટિકિટ આપી છે. શુક્રવારે જ સંજય કાકા પાટીલ એનસીપીમાં જોડાયા હતા. હવે સંજય કાકા પાટીલની ટક્કર શરદ પવારની રાષ્ટ્રવાદીના નેતા રોહિત પવાર સામે રહેશે, જે દિવગંત રાષ્ટ્રવાદીના નેતા આર. આર. પાટીલના પુત્ર છે. આ બેઠક સાંગલી જિલ્લાની તાસગાંવ-કવઠે મહાંકાલ મતદાન વિસ્તારમાં આવેલી છે.
પહેલી યાદીમાં તમામ દિગ્ગજ નેતાને મળી ટિકિટ
આ અગાઉ રાષ્ટ્રવાદીએ 38 ઉમેદવારની યાદી બહાર પાડી હતી, જેમાં બારામતીથી પક્ષના પ્રમુખ અજિત પવાર, છગન ભુજબળ અને દિલીપ વળસે પાટીલના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અજિત પવાર બારામતીની સીટ તો છગન ભુજબળ યેવલા સીટ પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત, ધનંજય મુંડે પરલી, નરહરી ઝિરવાલ દિંડૌરી સીટ પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ રાજ્યમાં 288 વિધાનસભાની બેઠકમાંથી 278 સીટ ફાળવણી નક્કી કરવામાં આવી હતી, જ્યારે આજે ભાજપ બીજી યાદી જાહેર કરશે. અત્યાર સુધીમાં 288 સીટમાંથી ભાજપે 99, શિવસેનાએ 40 અને અજિત પવારની રાષ્ટ્રવાદીએ 45 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.