ઈઝ ઓફ લિવિંગઃ ગુજરાત સરકારે રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા
શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ‘ઇઝ ઓફ લિવિંગ’ વધે તેના માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-SJMSVY અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે.
સરકારે શહેરી જનજીવન સુખાકારીનો અપનાવ્યો અભિગમ
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે મળવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો – શહેરોમાં વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચારુ રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જનજીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.
25 નગરપાલિકાના ઉદ્યાનનું થશે બ્યુટિફિકેશન
નગરોમાં વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી-શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુસર રાજ્યની ૨૫ નગરપાલિકાઓને નવીન બાગ બગીચા વિકસાવવા માટે ૪૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે.
પાલિકાને ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડની ફાળવણી
મુખ્યમંત્રીએ નગરોમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા ૧૩ નગરપાલિકાઓને ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકા દીઠ રૂ. ૩ કરોડ મળી કુલ ૩૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં, ૨૨ નગરપાલિકાઓમાં હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનના રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂ. ૧.૫૦ કરોડ પ્રમાણે કુલ ૩૩ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
પાલિકાના આઉટગ્રોથના વિસ્તાર માટે 15 કરોડની ફાળવણી
નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે રૂ. ૧૫.૭૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટના કામકાજ માટે રૂ. ૪.૪૯ કરોડ, ગણદેવીને જલારામ મંદિરથી કસ્બાવાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડ પર સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૭૨.૬૯ લાખ, દ્વારકા નગરપાલિકામાં રેલવે અન્ડરબ્રિજ ટુ ટ્રેક સી.સી. રોડ બનાવવા રૂ. ૪.૬૨ કરોડ, ધરમપુરને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૧.૯૦ કરોડ અને લીંબડીને સીસી રોડના કામો માટે ૩.૭૭ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
પાણી પુરવઠા માટે 112 કરોડના ભંડોળની કરી ફાળવણી
ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂ. ૧૧૨.૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ખંભાત શહેરમાં નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે રૂ. ૬૬.૧૧ કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે રૂ. ૫૬.૪૨ કરોડ મંજૂર કરાયા છે. આ રકમમાંથી દહોદમાં પાટા ડુંગરી ડેમથી અલગ પાઈપલાઈનની કામગીરી તથા નગરપાલિકાના તમામ વોટરવર્ક્સને ઇન્ટરકનેક્ટ કરવાના કામો કરવામાં આવશે.
શહેરી વિકાસમંડળના બ્યુટિફિકેશન માટે 23 કરોડની ફાળવણી
સાણંદ, વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે રૂ. ૨૬.૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમા સાણંદ નગરપાલિકા વિસ્તારમાં મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે રૂ. ૧૩.૫૦ કરોડ, વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે રૂ. ૬.૪૨ કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે રૂ. ૬.૪૩ કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
