ફાયદાની વાતઃ સોનું, ચાંદી કે શેરબજારે કરાવી કમાણી, જાણો આંકડાની હકીકત?
રોકાણ કરવાના એક કરતા અનેક વિકલ્પ છે. સ્ટોકમાર્કેટ હોય કે પછી બુલિયન માર્કેટ કે પછી અન્ય ક્ષેત્રે. પણ જોખમ સાથેના રોકાણ માટે શેરબજાર જાણીતું છે, જ્યારે સોનાચાંદીના માર્કેટમાં રોકાણ કરવાનું પણ ચલણ વધી રહ્યું છે, જે મજબૂત વળતર માટે જવાબદાર છે. આ વર્ષે સોનાચાંદીની તુલનામાં શેરબજારનું વલણ નબળું રહ્યું હતું.
સીધા શબ્દોમાં કહીએ તો સેન્સેક્સ અને નિફ્ટી (બીએસઈ અને એનએસઈના બેન્ચમાર્ક)ની તુલનાએ સોનાચાંદી નોંધપાત્ર વળતર આપ્યું હતું, તેમાંય ચાંદીએ રોકાણકારોને કઈ રીતે ન્યાલ કર્યાં એ જાણીએ. વીતેલા એક વર્ષમાં શેરબજારે નવ ટકા, સોનાએ 24 ટકા વળતર આપ્યું હતું, પરંતુ ચાંદીએ 30 ટકાથી વધુ વળતર આપ્યું હતું.
ચાંદીની માગમાં વધારાને કારણે ભાવ ઊંચી સપાટીએ
ઉપલબ્ધ અહેવાલ પ્રમાણે સોનાચાંદીના રોકાણે ત્રણ ગણું વળતર આપ્યું હતું, જ્યારે શેરબજારના રોકાણમાં દસ ટકાથી વધુ વળતર આપ્યુ હતું. દિવાળી પહેલા શેરબજારમાં ફરી ઘટાડાએ રફતાર પકડી છે, ત્યારે સોનાચાંદીએ નિરંતર આગેકૂચ જોવા મળી છે. સોનાએ શેરબજારના બંને એક્સચેન્જ કરતા બેથી અઢી ગણું વળતર આપ્યું છે. સોનાચાંદીના ભાવમાં તેજી સાથે ઔદ્યોગિક માગમાં વધારા અને ઓછા ઉત્પાદનને કારણે ખાસ તો ચાંદીના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઈન્વેસ્ટ કરનારા લોકોને ચાંદી ફળી છે.
ચાંદીએ 30 અને સોનાએ 24 ટકાનું આપ્યું વળતર
ગયા વર્ષે ચાંદીના ભાવ આજના (લખાય છે ત્યારે) દિવસે 74,440 રુપિયાના મથાળે હતી, જે આજના દિવસે ચાંદીનો ભાવ એક લાખની આસપાસ પહોંચ્યો છે. ટ્રેડિંગ સેશનમાં ચાંદીના કિલોગ્રામે ભાવ 97,000 રુપિયાની આસપાસ રહ્યો હતો. એક વર્ષમાં ચાંદીના ભાવમાં 22,500થી વધુ ઉછાળો જોવા મળ્યો છે. એક વર્ષમાં ચાંદીએ લોકોને 30 ટકાથી વધુ વળતર આપ્યું હતું. આ અગાઉ ચાંદીના ભાવ એક લાખની ઐતિહાસિક સપાટી પાર કરી હતી. સોનાએ 24 ટકાથી વધુ વળતર આપ્યું છે. અગાઉ 10 ગ્રામ સોનાના ભાવ 63,200 રુપિયા હતા, જે શનિવારે 78,500ની આસપાસ હતા. રોકાણકારોને એક વર્ષમાં 15,000 રુપિયાનું વળતર મળ્યું કહેવાય.
શેરબજારે નવ ટકાથી વધુનું આપ્યું વળતર
ઓક્ટોબર મહિના દરમિયાન શેરબજારમાં છ ટકાનું ગાબડું નોંધાયું હતું, જે કોરોના મહામારી પછી સૌથી મોટું ધોવાણ થયું છે. આ વર્ષે એકંદરે શેરબજારે નવ ટકાથી વધુનું વળતર આપ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના અહેવાલ અનુસાર ગયા વર્ષે આજના દિવસે બીએસઈનો ઈન્ડેક્સ 72,240 પોઈન્ટના મથાળે હતો, જે શુક્રવારે 79,402 પોઈન્ટે રહ્યો હતો. એકંદરે માર્કેટના ઈન્ડેક્સમાં સાત હજાર પોઈન્ટનો ઉછાળો રહ્યો છે.