ચા પીધા પહેલાં કે પછી પાણી પીવું ફાયદાકારક?
હાલમાં જ બે દિવસ પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઊજવણી કરી હતી અને હવે આવું હેડિંગ વાંચીને જ તમને એવું થયું હશે ને કે ભાઈ ચા પીતા પહેલાં કે પછી કેમ પાણી પીવું જોઈએ? ચાલો આજે આપણે એના વિશે જ વાત કરીએ.
સૌથી પહેલી અને મહત્ત્વની વાત એટલે ઉનાળાના દિવસોમાં ચાનું સેવન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે ચાની તાસીર ગરમ હોય છે આવી પરિસ્થિતિમાં વધારે પડતું ચાનું સેવન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે પણ ચા પીતા હોવ તો ચા પીવાના પહેલાં એક ગ્લાસ પાણી ચોક્કસ પીવું જોઈએ. આવો જોઈએ આવું કેમ કરવું જોઈએ?
તમારી જાણ માટે કે ચા અને કોફી એ એસિડિક છે અને એને કારણે તે શરીરમાં ગેસ પેદા કરે છે. પરંતુ જો ચા પીધા પહેલાં જ એક ગ્લાસ પાણી પીવામાં આવે તો એને કારણે એસિડની અસર ઓછી થઈ જાય છે અને ચા પીવાના અડધા કલાક બાદ તમે નોર્મલ પાણી પી શકો છો. પણ જો તમે ચા પીવાના તરત બાદમાં જ ઠંડું પાણી પીવો છો તો એને કારણે દાંતમાં સેન્સેટિવિટીનું પ્રમાણ વધે છે અને આ સિવાય ગરમી અને શરદી તેમ જ પાચન સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે.
અલબત્ત, અમુક લોકોના કિસ્સામાં ચા યા કોફી મોર્નિંગ પીવાની આદત એક ટોનિકની રીતે કામ કરે છે. અમુક લોકોનું માનવું હોય છે કે ચા પીવાથી ચાર્જ થઈ જવાય છે. આમ છતાં ન્યુટ્રિશિયનના જણાવ્યા અનુસાર ચા અથવા કોફી પીતા પહેલા થોડું પાણી પીવાથી ફાયદો રહે છે, જેમાં એક તો બેઝિક કારણ એ છે કે બંનેનો ગુણધર્મ એસિડિક પ્રકૃતિનો છે, જે શરીર માટે નુકસાનકર્તા પણ છે. પાણી પીવાથી ડ્રિહાઈડ્રેડ થયેલા શરીર માટે ફાયદાકારક રહે છે.આ આદત તમારા આરોગ્યને તંદુરસ્ત રાખે છે, તેથી શક્ય હોય તો નવશેકુ એક યા બે ગ્લાસ પાણી પીવું જોઈએ.
ચા પીવાની પહેલાં એક ગ્લાસ પાણી પીવાને કારણે થતાં ફાયદા વિશે જાણી લીધા બાદ હવેથી તમે જ્યારે પણ ચા પીવો તો એની પહેલાં એક ગ્લાસ પાણી ચોક્કસ પીજો…