ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીને બર્થડેની ડોનાલ્ડ ટ્રમ્પે શુભેચ્છા પાઠવી
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ વિક્રમ: એક દિવસમાં 56,256 યુનિટ રક્ત એકત્ર

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે મદદગાર પરિવાર તથા રાજ્યના કર્મચારી મંડળો તથા શૈક્ષણિક સંઘો દ્વારા આયોજિત ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ આયોજિત રક્તદાન કાર્યક્રમને માત્ર ઉજવણી નહીં, પરંતુ જીવન બચાવવાનો મહાયજ્ઞ ગણાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ઑફિશિયલ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ, યુરોપ તથા વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, લંડનના પ્રતિનિધઓના હસ્તે ૫૬,૨૫૬ યુનિટ રક્ત એકત્ર કરવા અંગેના વિશ્વ વિક્રમનો સ્વીકાર કરી, એકત્રિત રક્ત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને સમર્પિત કર્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસોમાં સહયોગ આપવા બદલ પણ આભાર
આજના જન્મદિવસ નિમિત્તે પીએમ મોદીને એડવાન્સમાં લોકોએ શુભેચ્છા આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે પીએમ મોદીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા સાથે ટેરિફ મુદ્દે સંબંધો વધારે વણસ્યા છે, જેમાં પચાસ ટકા ટેરિફને કારણે ભારતીય ઉદ્યોગો પર પણ અસર થઈ છે. એના પછી પણ વાટાઘાટો ચાલી રહી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રૂથ પર શુભેચ્છા આપવાની સાથે લખ્યું હતું કે રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસોમાં સહયોગ આપવા બદલ પણ આભાર માન્યો હતો.

‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે દેશમાં વિકાસનો નવો અધ્યાય રચ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરીને કર્મચારી મંડળ, શિક્ષણ સંઘ અને વિવિધ વિભાગના કર્મચારીઓએ સમાજસેવાનું પ્રતિબિંબ પૂરું પાડ્યું છે. તેમણે વડા પ્રધાનના શબ્દો દોહરાવતાં ઉમેર્યું કે આર્થિક દાન કરવામાં આવે, ત્યારે તેની તખ્તી લાગે છે, પણ રક્તદાતા સાયલન્ટ ડોનર છે, અને એટલે જ આ મહાદાન છે. વડા પ્રધાનએ જનસેવાને જીવનમંત્ર બનાવીને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે દેશમાં વિકાસનો નવો અધ્યાય રચ્યો છે. તેમના નેતૃત્વમાં જે નીતિઓ નિર્માણ પામી તેના કેન્દ્રમાં ગરીબ, વંચિત અને છેવાડાનો માનવી રહેલો છે. તેના જ પરિણામસ્વરૂપ, છેલ્લાં ૧૦ વર્ષમાં દેશના ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
નરેન્દ્ર મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ
વડા પ્રધાનના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ સાથે દેશની સીમાઓ પણ સુરક્ષિત છે. તેમની અડગ નિર્ણાયકતાના કારણે જ દેશની બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર નવા ભારતની શક્તિ દેશ અને દુનિયાને દર્શાવી છે. ઓપરેશન સિંદૂર માટે ૧૪૦ કરોડ દેશવાસીઓ વડાપ્રધાનશ્રી અને સેનાને અભિનંદન આપી રહ્યા છે પટેલે કહ્યું કે જેમ રક્ત એ શરીરમાં ચાલકબળ છે, એ જ રીતે આટલી મોટી સંખ્યામાં રક્તદાનનો સંકલ્પ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે, જે લોકોનો વડા પ્રધાન માટે વિશ્વાસ દર્શાવે છે કે તેઓ નવા અને વિકસિત ભારતનું પ્રેરણાબળ છે.
કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વર્ષ-૨૦૧૪થી વડા પ્રધાનના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજથી રાજ્યવ્યાપી સેવા પખવાડિયાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. વડા પ્રધાનએ ગરીબોને તેમનો હક સીધો જ પ્રાપ્ત થાય, તે હેતુથી સેચ્યુરેશન અપ્રોચ અપનાવ્યો છે. રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે. એક વ્યક્તિના રક્તદાનથી કોઈ માતાને તેમનો પુત્ર મળી શકે છે, કોઈ બાળકને તેમના પિતાનો ચહેરો જોઈ શકે છે અને કોઈ વ્યક્તિના જીવનમાં આશાનું કિરણ પ્રસરી શકે છે. માનવતાના પવિત્ર કાર્યમાં તમામ રક્તદાતાઓ એક અર્થમાં દેવદૂત સમાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રક્તદાન કરીને કોઈકના જીવનના દાતા બનવા સૌને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વિતામુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે. લોકોના જીવનને ઉન્નત બનાવવા માટે તેમણે આહાર, આવાસ, આરોગ્ય અને આવકના ચાર સ્તંભ દર્શાવ્યા છે. ત્યારે સૌ ઉપસ્થિતોને યોગ, પ્રાણાયામ અને કસરત દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતની ઝૂંબેશમાં જોડાઈને, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈકના જીવનના દાતા બનવા સૌને અપીલ કરી હતી.
કુલ ૨,૨૧,૭૯૭ જેટલા રક્તવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
આ તકે મદદગાર પરિવારના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓનલાઇન તથા ઓફલાઈન મળીને કુલ ૨,૨૧,૭૯૭ જેટલા રક્તવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે એક લાખના નિયત લક્ષ્યાંકના બમણાંથી પણ વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરના કર્મચારી મંડળો અને સંઘો દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિન અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, એક લાખ યુનિટ રક્ત એક્ત્ર કરવાનું આયોજન છે.
