Dombivali MIDC Fire: ફરી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા નાગરિકોમાં ભયનો માહોલ
ડોમ્બિવલી: થાણેના ડોમ્બિવલી ખાતે એમઆઈડીસી ખાતે ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. એમઆઈડીસી ખાતે આવેલી એક ફેકટરીમાં આ આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે અગ્નિશામક દળની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પહેલાં પણ થોડાક સમય પહેલા પણ આ વિસ્તારમાં એક ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને એને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ અને માલહાનિ થઈ હતી. ફરી એક વખત આ જ વિસ્તારમાં આગ ફાટવાની ઘટના જોવા મળતા નાગરિકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અભિનવ સ્કૂલની નજીક આવેલી ફેકટરીમાં આ આગ લાગી છે.
Again fire in dombivali MIDC near ABHINAV SCHOOL wt to say plz save us #ALL EYES AT DOMBIVALI @mieknathshinde @rajupatilmanase @DrSEShinde pic.twitter.com/VN1u02vjeI
— Niranjankumar Mehta (@Niranjanmehta) June 12, 2024
મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર એમઆઈડીસી ખાતે આવેલી ઈન્ડો અમિન્સ કંપનીમાં આ આગ લાગી છે. આગને કારણે ફેલાયેલા ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી જોવા મળી રહ્યા છે અને વિસ્ફોટના અવાજ આવતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. અગ્નિશામક દળની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે હાજર હોઈ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ બાબતે માહિતી આપતા મહારાષ્ટ્ર સરકારના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે આ આગ ખૂબ જ ભીષણ છે અને તેને ઝડપથી નિયંત્રણમાં લેવાના બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કંપનીના મેનેજર સાથે વાત થઈ હોઈ આસપાસમાં આવેલી કંપનીના કર્મચારીઓને બહાર કાઢવાનું જણાવવામાં આવ્યું છે. દરમિયાન જે કંપનીમાં આગ લાગી છે એ કંપનીના કર્મચારીઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એક્સિડન્ટ સાઈટની નજીકમાં જ અભિનવ સ્કૂલ આવી છે અને આગ લાગતા જ શાળાના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમઆઈડીસી વિસ્તારમાં અનેક કેમિકલ ફેકટરી આવેલી છે. આ અગાઉ પણ 15 દિવસ પહેલા જ આ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોટો ધડાકો થયો હતો અને એને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે મોટા પ્રમાણમાં જાન અને માલહાનિ થઈ હતી. આ આગમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. હવે ફરી એક વખત આગ ફાટી નીકળતા નાગરિકોમાં ભયની લાગણી ફરી વળી છે.
